ન્યુ દિલ્હી : મૂળે તેલંગાણાની પણ દિલ્હીની શ્રીરામ કોલેજમાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થિનીએ પરિવારની આર્થિક તંગીથી વ્યથિત થઈને આત્મ હત્યા કરી લીધી છે.
આ ઘટનાને આગળ ધરીને કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ફરી એક વખત મોદી સરકાર પર નિશાન સાધતા કહ્યુ છે કે, મોદી સરકારની નોટબંધી અને લોક ડાઉને દેશના હજારો પરિવારોને બરબાદ કરી નાંખ્યા છે.આ દુખદ ક્ષણે વિદ્યાર્થિનીના પરિવાર સાથે મારી સંવેદના છે.નોટબંધી અને દેશબંધીએ હજારો પરિવારો બરબાદ કરી નાંખ્યા છે તે સચ્ચાઈ છે.
રાહુલ ગાંધીએ ગઈકાલે પણ નોટબંધી અંગે આરોપ લગાવ્યો હતો કે, નોટબંધી લગાવવા પાછળનો હેતુ પીએમ મોદીના કેટલાક ઉદ્યોગપતિ મિત્રોને મદદ કરવાનો હતો.
દેશમા લોકડાઉન બાદ ઈકોનોમીને મોટો ફટકો વાગ્યો હતો અને તેમાંથી હજી પણ દેશ બહાર આવી રહ્યો નથી.જેના કારણે લાખો લોકોએ નોકરી ગુમાવી છે અને સામાન્ય માનવી પર તેની સીધી અસર પડી છે.લોકડાઉન બાદ હવે તમામ ક્ષેત્રમાં છુટ આપવામાં આવી રહી છે પણ આશ્ચર્યજનક રીતે લોકો લોકડાઉન બાદ ભાવ વધારાનો સામનો પણ કરી રહ્યા છે ત્યારે રાહુલ ગાંધીએ સૂચક રીતે આત્મહત્યાની ઘટના અંગેની જાણકારી સોશ્યલ મીડિયા પર શેર કરી છે.