એડીલેડ : ઓસ્ટ્રેલિયા સામે પહેલી ટેસ્ટ મેચમાં હારનો સામનો કર્યા બાદ ટીમ ઈન્ડિયાને ફરી એક વખત મોટો ઝટકો લાગ્યો છે. ટીમના ઝડપી બોલર મોહમ્મદ શમીને જમણા હાથમાં ફ્રેક્ચર થવાને લીધે ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સિરીઝમાંથી તે બહાર થઈ ગયો છે. શનિવારે પહેલી ટેસ્ટની બીજી ઈનિંગમાં બેટીંગ કરતી વખતે પેટ કમિન્સનો એક બોલ તેના જમણા હાથ પર લાગ્યો હતો. ત્યારબાદ તે મેદાનની બહાર જતો રહ્યો હતો અને પરત ફર્યો ન હતો. સૂત્રોના જણાવ્યા પ્રમાણે બેટીંગ કરતી વખતે તેના હાથમાં ફ્રેક્ચર થઈ ગયુ હતું.
પીડાને લીધે તે મેદાનમાં બેટ પકડી શકતો ન હતો. બાદમાં તે મેદાનમાંથી બહાર જતો રહ્યો હતો. ત્યારબાદ ભારતની બોલિંગ સમયે પણ તે મેદાનની બહાર જ રહ્યો હતો. ૨૨મી ઓવરમાં કમિન્સનો એક બાઉન્સર શમીના કાડા પર લાગ્યો હતો. ત્યારબાદ ટીમ ઈન્ડિયાના મેડિકલ સ્ટાફને મેદાન પર બોલાવવામાં આવ્યો હતો. જોકે ફિઝીયો દ્વારા પેઈન કિલિંગ સ્પ્રે પણ લગાવવામાં આવ્યો હતો, તેમ છતાં તેને દુખાવામાં કોઈ જ રાહત મળી ન હતી અને મેદાનની બહાર જવાનો નિર્ણય કર્યો હતો.