મુંબઈ : રોકીની દુનિયાની ઝલક ફરી એકવાર જોવા મળી છે. મેકર્સે એક દિવસ પહેલાં જ ફિલ્મનું ટીઝરનું રિલીઝ કરી દેવામાં આવ્યું છે. સાત જાન્યુઆરી, ગુરુવારની રાત્રે રિલીઝ કરવામાં આવેલું ૨ મિનિટના ટીઝરમાં રવિના ટંડન, યશ તથા સંજય દત્તની ઝલક જોવા મળી છે. યશ એક્શન કરતો જોવા મળ્યો હતો. આ ટીઝર પહેલાં યશના ૩૫મા જન્મદિવસ પર એટલે કે ૮ જાન્યુઆરીએ રિલીઝ કરવાનું હતું પરંતુ ચાહકોની ડિમાન્ડને કારણે છેલ્લી ઘડીએ નિર્ણય બદલવામાં આવ્યો હતો. ફિલ્મનું ડિરેક્શન પ્રશાંત નીલે કર્યું છે.
પ્રોડક્શન વિજય કિરાગંદૂરે કર્યું છે. ફિલ્મમાં સંજય દત્ત અધીરાનો રોલ ભજવે છે. આ ઉપરાંત ફિલ્મમાં શ્રીનિધિ શેટ્ટી, પ્રકાશ રાજ, માલવિકા અવિનાશ પણ છે. ફિલ્મનું પ્રોડક્શન છેલ્લાં બે વર્ષથી ચાલી રહ્યું છે. આ ફિલ્મ પહેલાં ઓક્ટોબર, ૨૦૨૦માં રિલીઝ કરવાની હતી પરંતુ કોરોનાને કારણે કામ બંધ કરી દેવામાં આવ્યું હતું. ’કેજીએફ’નો પહેલો પાર્ટ ૨૦૧૮માં રિલીઝ થયો હતો. કન્નડ, તમિળ, તેલુગુ તથા હિંદીમાં આવેલી આ ફિલ્મે અનેક રેકોર્ડ બનાવ્યા હતા. આ પહેલી કન્નડ મૂવી હતી, જેણે ૨૫૦ કરોડથી વધુની કમાણી કરી હતી.