જો તમે પણ પ્રાઈવેટ સેક્ટરની બેંક યસ બેંકમાં રોકાણ કર્યું છે, તો તમારા માટે ખરાબ સમાચાર છે. મંગળવારે બજાર ખુલતા જ યસ બેંકના શેરોમાં આશરે 27 ટકાનો ઘટાડો નોંધાયો છે. થોડી જ મિનિટોમાં બેંકના શેર 237 રૂપિયાના ભાવ પરથી તૂટીને 173 રૂપિયા પર આવી ગયા. મળતી માહિતી અનુસાર, શુક્રવારે બેંકના ત્રિમાસિક પરિણામો રજૂ કરવામાં આવ્યા હતા. પરિણામોમાં બેંકને અત્યારસુધી સૌથી મોટું ત્રિમાસિક નુકસાન થયું, જેની અસર આજના કારોબાર પર જોવા મળી રહી છે. શેરના ભાવમાં ઘટાડો આવવાથી યસ બેંકનું માર્કેટ કેપ પણ 14900 કરોડ કરતા વધુ ઘટી ગયું.
શુક્રવારે યસ બેંકના શેર 237.40 રૂપિયાના ભાવ પર બંધ થયા હતા. બજાર બંધ થયા બાદ બેંકે પોતાના ત્રિમાસિક પરિણામો જાહેર કર્યા. મંગળવારે બેંકના શેર 213.70 રૂપિયાના ભાવ પર ખુલ્યા. થોડી જ મિનિટમાં શેર 27 ટકા તૂટીને 173 રૂપિયાના ભાવ પર આવી ગયા. 173 રૂપિયાના ભાવ પર આવતા જ યસ બેંકનું માર્કેટ કેપ 40078.69 કરોડ રૂપિયા રહી ગયું, જે શુક્રવારે આશરે 54998 કરોડ રૂપિયા પર બંધ થયો હતો. એટલે કે એક જ ઝટકામાં 14919 કરોડ રૂપિયાનું નુકસાન.
યસ બેંકને નાણાકીય વર્ષ 2018-19ના ચોથા તિમાહીમાં 1506 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું. તે અગાઉ નાણાકીય વર્ષ 2017-18ના સમાન તિમાહીમાં બેંકને 1179 કરોડ રૂપિયાનો ચોખ્ખો નફો થયો હતો. બેંકે કહ્યું હતું કે, તેને આ નુકસાન ફસાયેલા લેણા માટે કરવામાં આવેલા પ્રાવધાનમાં 9 ગણી વધુ ઝડપથી વધારાને કારણે થયું.