Charotar Sandesh
વર્લ્ડ

યુએઇ પાકિસ્તાન વિરુદ્ધ આકરા પાણીએ : વિઝા આપવાને લઇ અસ્થાયી પ્રતિબંધ લાદ્યો…

યુએઇએ ૧૨ દેશોના લોકો માટે નવા વિઝા પર પ્રતિબંધ જાહેર કર્યો…

રિયાધ : એક તરફ પાકિસ્તાન એફએટીએફના ગ્રે લિસ્ટમાં હોવાથી અને આતંકવાદને લઈને પંકાઈ જવાથી ભારે આર્થિક કટોકટીનો સામનો કરી રહ્યું છે ત્યારે બીજી તરફ તેની દૂધારૂ ગાય એવા સંયુક્ત અરબ અમિરાતે પણ સાથ છોડી દીધો છે. યુએઇ દ્વારા પાકિસ્તાનના લોકોને વિઝા આપવાને લઈને અસ્થાયી પ્રતિબંધ લગાવી દીધો છે. જોકે ભારત પર યુએઇએ કોઈ પ્રતિબંધ લગાવ્યો નથી.
યુએઇ પાકિસ્તાન સહિત કુલ ૧૨ દેશોના લોકો માટે આ નવા વિઝા આપવા પર પ્રતિબંધ જાહેર કર્યો છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે પણ તેની પુષ્ટિ કરી છે. યુએઇના આ નિર્ણયથી કોરોના વાયરસ અને આર્થિક સંકટથી ઝઝુમી રહેલા પાકિસ્તાનની મુશ્કેલીઓ વધશે.
પાકિસ્તાન ઇસ્લામી દેશ હોવા છતાં એના નાગરિકોને આ આરબ દેશના વીઝા નહીં મળે. ખુદ પાકિસ્તાની દૈનિક ટ્રાઇબ્યુન એક્સપ્રેસના અહેવાલ મુજબ પાકિસ્તાનના વિદેશ ખાતાએ બુધવારે સાંજે આ સમાચારને સમર્થન આપ્યું હતું પરંતુ પોતાનો બચાવ કરતાં એવી દલીલ કરી હતી કે વધી રહેલા કોરોનાના સંક્રમણના પગલે યુએઇએ આ પગલું જાહેર કર્યું હતું.
પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવકતા જાહિદ હાફિઝ ચૌધરીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, યુએઇનો આ નિર્ણય સંભવતઃ કોરોનાની બીજી લહેરની ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો હોઈ શકે. અમારા ધ્યાનમાં આવ્યું છે કે, યુએઇએ કુલ ૧૨ દેશો પર આગામી જાહેરાત ના કરવામાં આવે ત્યાં સુધી નવા વિઝા આપવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે યુએઇ પ્રશાસન સાથે આ મામલે સત્તાવાર પુષ્ટિના પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે.
જોકે હજી સુધી એ સ્પષ્ટ થઈ શક્યું નથી કે, આ પ્રતિબંધ વિઝાની કેટલી કેટેગરી પર લાગુ કરવામાં આવશે. યુએઇ બિઝનેસ, ટૂરિસ્ટ, ટ્રાંઝિટ અને સ્ટુડેંટ વિઝા જેવી અનેક કેટેગરીના વિઝા આપે છે. યુએઇમાં મોટી સંખ્યામાં પાકિસ્તાની નાગરિકો રોજગારી માટે જતા હોય છે આ સ્થિતિમાં યુએઇનો આ નિર્ણય પાકિસ્તાન માટે એક ઝાટકાથી ઓછો નથી.
છેલ્લા કેટલાક સમયથી યુએઇ અને ભારત નજીક આવી રહ્યાં છે જ્યારે પાકિસ્તાન સાથેના સંબંધોમાં પડેલી તિરાડ વધુ ને વધુ પહોળી થઈ રહી છે. યુએઇએ કાશ્મીર મુદ્દે પણ ભારતનું ખુલીને સમર્થન કર્યું હતું. જ્યારે આ ઉપરાંત યુએઇ સાથે ઈઝરાયેલના સ્થપાયેલા સંબંધોને લઈને પાકિસ્તાને આકરી પ્રતિક્રિયા આપી હતી અને યુએઇની ઝાટકણી કાઢી હતી. હવે પાકિસ્તાનને આ બાબત ભારે પડી રહી છે.

Related posts

ત્રણ લોકોની હત્યા બાદ ફ્રાન્સે ઇસ્લામી આતંકવાદ સામે યુદ્ધની જાહેરાત કરી…

Charotar Sandesh

ઈરાનનો દાવો અમેરિકાના ૧૭ જાસૂસોની ધરપકડ : અમુકને ફાંસી…

Charotar Sandesh

કોરોના મહામારી વિરુદ્ધ લડવાની ભારતની ક્ષમતા પર WHOને સંપૂર્ણ વિશ્વાસ…

Charotar Sandesh