અમદાવાદ : રાજ્યમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર યથાવત છે ત્યારે ગૃહ મંત્રાલયે મંજૂરી આપતા યુજીસીની નવી ગાઈડલાઈન મુજબ યુનિવર્સીટી દ્વારા સપ્ટેમ્બરનાં અંત સુધીમાં ફાઈનલ યરની પરીક્ષા લેવી પડશે. ઉલ્લેખનીય છે કે અગાઉ આ પરિક્ષાઓ જુલાઈમાં યોજાવાની હતી, પરંતુ જીવલેણ કોરોનાવાયરસનાં વધતા કહેર વચ્ચે આ પરીક્ષાઓ રદ કરવામાં આવી હતી. જો કોઈ વિદ્યાર્થી સપ્ટેમ્બરમાં લેવાનાર પરીક્ષા આપી નહી શકે તો યુનિએ બીજી એક તક આપવી પડશે, તેા માટે પરીક્ષાનું આયોજન કરવું પડશે. યુજીસી દ્વારા જાહેર કરવામાં આવેલી નવી ગાઈડ લાઈનમાં જણાવવામાં આવ્યું છે, કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા મંજૂરી મળ્યા પછી માનવ સંશાધન વિકાસ મંત્રાલય દ્વારા આ અંગેની જાહેરાત કરવામાં આવી છે. જો કે પરીક્ષાનાં આયોજવનમાં કોરોના વાયરસથી બચવા માટેનાં તમામ ઉપાયો હાથ ધરવા પડશે. જીવલેણ વાયરસનાં કારણે અંતિમ વર્ષની પરીક્ષા રદ થવાની તમામ અટકળોનો અંત આવ્યો છે.કેન્દ્રીય માનવ સંશાધન વિકાસ પ્રધાન રમેશ પોખરિયાલ નિશાંકે જણાવ્યું હતું કે અંતિમ વર્ષનાં વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાનમાં રાખીને આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
યુનિવર્સીટી કે કોલેજ અંતિમ વર્ષની પરીક્ષા ઓનલાઈન અથવા ઓફલાઈન લઈ શકે છે. જુલાઈના અંત સુધીમાં તો હવે પરીક્ષાઓ લેવાશે નહી પરંતુ ઓગસ્ટ કે સપ્ટેમ્બરમાં પરીક્ષાઓ થઈ શકે છે અને યુજીસી સપ્ટેમ્બરના અંત સુધીમાં પરીક્ષાની મંજૂરી આપી દીધી છે. યુજીસી યુજીમાં અને પીજીમાં છેલ્લા વર્ષની સેમેસ્ટર પરીક્ષાઓ લેવાની તરફેણમાં છે અને પરીક્ષાઓ રદ કરવાની તરફેણમાં નથી. યુજીસીની આજે મીટિંગ મળી હતી જેમાં કમિટીની ભલામણો બાદ પરીક્ષાઓ રદ ન કરવાનું નક્કી કરાયુ હતુ. ઉપરાંત બીજી બાજુ કેન્દ્રિય ગૃહમંત્રાલયે પરીક્ષાઓ લેવા મંજૂરી પણ આપી દીધી છે. કેન્દ્ર સરકારે અનલોક-૨ હેઠળ ૩૧ જુલાઈ સુધી સ્કૂલો-કોલેજો બંધ રાખવા ગાઈડલાઈન જાહેર કરી છે
ત્યારે ગુજરાત સહિતના કેટલાક રાજ્યોમાં યુનિ.ઓની પરીક્ષાઓ ચાલુ હોવાથી કેન્દ્રના શિક્ષણ વિભાગના સચિવે પરીક્ષાઓ મોકુફ કરી દેવા સૂચના આપી હતી.જેના પગલે ગુજરાતમાં જીટીયુ સહિતની યુનિ.ની પરીક્ષા મોકુફ કરાઈ. પરંતુ કેન્દ્રના શિક્ષણ સચિવે મંજૂરી માંગતા ગૃહમંત્રાલયે યુનિ.ઓની છેલ્લા વર્ષની પરીક્ષાઓ યોજવા મંજૂરી આપી છે. ઉપરાંત યુનિ.ઓની છેલ્લા વર્ષની પરીક્ષાઓને ફરજીયાત ગણવામા આવી છે. કેન્દ્રના આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામા આવનાર એસઓપી સાથે અને કેન્દ્રની નવી સૂચનાઓ સાથે હવે પરીક્ષાઓ લેવાશે. થોડા દિવસમાં કેન્દ્રિય શિક્ષણ વિભાગ રાજ્યોને પરીક્ષા લેવા માટે ફરી સૂચના આપશે અને યુજીસીએ આજે નવી ગાઇડલાઇન જાહેર કરી દીધી છે.