સોનામાં એક જ દિવસમાં ૮૦૦ અંકનો જંગી ઉછાળો,બજારમાં લાલચોળ તેજી…
ચાંદીની પણ ચમક વધી,કિગ્રા દીઠ ભાવ ૪૯,૦૦૦ નોંધાયો…
ન્યુ દિલ્હી : અમેરિકા અને ઇરાન વચ્ચે તણાવ વધતા સોના-ચાંદીના ભાવમાં નોંધપાત્ર ઉછાળો આવ્યો હતો અને તેમાં સોના ભાવ હાજર બજારમાં ઉછળીને પ્રતિ ૧૦ ગ્રામ દીઠ રૂ.૪૧,૦૦૦ની ઉપર નવા ઉંચા શિખરે પહોંચ્યા હતા. સોના પાછળ ચાંદીની પણ ચમક વધી હતી અને પ્રતિ કિગ્રા દીઠ ભાવ રૂ. ૪૯,૦૦૦ને વટાવી ગયો હતો. હાજર પાછળની સાથે-સાથે વાયદા બજારમાં પણ બંને કિંમતી ધાતુઓના ભાવ ઉંચકાયા હતા. સોના બજારમાં સાંજે પણ જીએસટી સિવાયનો સોનાનો ભાવ ૪૦ હજાર પ્લસ હતો. ઇરાન અને અમેરિકા વચ્ચે ટેન્શન વધતાં સોનાના ભાવમાં જોરદાર તેજી આવી છે. આગામી દિવસોમાં પણ સોનાના ભાવમાં વધારો થાય તેવી પૂરી સંભાવના છે કારણ કે અમેરિકા અને ઇરાન વચ્ચે હાલમાં ટેન્શન ઓછું થાય તેવી સંભાવના ઓછી છે. સોના સિવાય પેટ્રોલ અને ડિઝલના ભાવમાં પણ વધારો થવાની પૂરી સંભાવના છે.
અમેરિકા અને ઇરાન વચ્ચેના તણાવના પગલે સોના-ચાંદીના વૈશ્વિક ભાવમાં આવેલા ઉછાળાની હૂંફે ભારતીય બજારમાં પણ બંને કિંમતી ધાતુઓના ભાવ નોંધપાત્ર વધ્યા હતા. જેમાં સોનું ફરી નવી ઉંચી સપાટીને સ્પર્શી ગયું છે. અમદાવાદ બજારમાં આજે સોનાનો (૯૯.૯) ભાવ રૂ. ૪૧૦૦૦થી ૪૧૨૦૦ પ્રતિ ૧૦ ગ્રામ બોલાતો હતો જે ગુરૂવારના સત્તાવાર ભાવ રૂ.૪૦,૪૦૦૦ની સામે ૭૦૦ રૂપિયાનો ઉછાળો દર્શાવે છે. તેવી જ રીતે સ્થાનિક બજારમાં ચાંદીનો ભાવ પણ વધીને રૂ. ૪૯૦૦૦ પ્રતિ કિગ્રા દીઠની આસપાસ બોલાયો હતો. દેશાવર બજારોમાં પણ ૧૦ ગ્રામ સોનાના ભાવ રૂ. ૪૧,૦૦૦ અને ચાંદી રૂ. ૪૮,૫૦૦થી ૪૯૦૦૦ પ્રત કિગ્રાની આસપાસ બોલાતા હતા.
અમેરિકા અને ઇરાન વચ્ચે તણાવ વધતા ક્રૂડ ઓઇલના ભાવ પણ વધ્યા હતા. તેની અસરે કિંમતી ધાતુઓના ભાવમાં પણ ગરમાવો આવ્યો હતો અને વિશ્વબજારમાં સોનું ૪ મહિનાની ઊંચી સપાટીને સ્પર્શ્યું હતું. વૈશ્વિક બજારમાં હાજર સોનું ૦.૬ ટકા વધીને ૧૫૩૮.૪૨ ડોલર પ્રતિ ઔંસ બોલાયું હતું જે ચાર મહિનાનો સૌથી ઊંચો ભાવ છે. સોનાની સાથે વૈશ્વિકબજારમાં ચાંદીનો પણ ભાવ અડધા ટકાના સુધારામાં ૧૮.૧૧ ડોલર પ્રતિ ઔંસ બોલાયો હતો. તો પ્લેટિનમ ૦.૩ ટકા વધીને ૯૮૧.૪૩ ડોલર અને પેલેડિયમ પણ આટલી જ વધીને ૧૯૬૪.૮૭ ડોલર પ્રતિ ઔંસ બોલાયું હતું.
અમેરિકા-ઇરાન વચ્ચેના તણાવને પગલે એક બાજુ કિંમતી ધાતુના ભાવ વધ્યા હતા તો બીજી બાજુ ભારતીય રૂપિયો નબળો પડ્યો હતો. આજે અમેરિકન ડોલર સામે ભારતીય રૂપિયો નીચામાં ૭૧.૭૩ની સપાટીને ઉતરી ગયો હતો જે ગુરુવારના ૭૧.૩૭ના બંધ ભાવની સામે ભારતીય રૂપિયામાં ૩૬ પૈસાનું ધોવાણ દર્શાવે છે.