સરહદે સંઘર્ષ બાદ ભારત-ચીન વચ્ચે ટેન્શન ચરમસીમાએ…
હિમાચલ,ઉત્તરાખંડ,અરૂણાચલમાં સૈન્ય તૈયાર : ઉત્તર – પશ્ચિમ – પૂર્વ ભારતના દરેક એરબેઝને કટોકટી માટે તૈયાર રહેવાના આદેશો, નૌકાદળના જહાજો તૈયાર…
લદ્દાખ : લદ્દાખના ગલવાની ખીણમાં ચીનની દગાખોરી બાદ ભારત-ચીન સરહદની તમામ પોસ્ટ પર હાઈ એલર્ટ જારી કરી દેવાયુ છે. ચીનથી અડેલી ભારતની સરહદોવાળા રાજ્ય જેવા કે ઉત્તરાખંડ, હિમાચલ, અરૂણાચલ પ્રદેશ અને લદ્દાખમાં આઈટીબીપીની તમામ ચોકીઓ પર એલર્ટ જાહેર કરી દેવાયુ છે.
સૂત્રો અનુસાર, આઇટીબીપીના જવાનોએ ચીનની હરકત પર નજર રાખવા માટે કેટલાક સ્થળો પર એલઆરપી અને એસઆરપીની સંખ્યા વધારી દેવાઈ છે. સરહદ પર ચીનની દરેક હરકત પર નજર રાખવામાં આવી રહી છે.
ભારત ચીન સરહદ પર નજર રાખવાની જવાબદારી આઈટીબીપી પર છે. ગલવાનમાં ચીનની ચાલાકી અને દગાખોરીમાં ભારતના ૨૦ જવાન શહીદ થઈ ગયા છે. જે બાદ ઉત્તરાખંડ, હિમાચલ, અરૂણાચલ અને લદ્દાખમાં ભારત-ચીન સરહદ પર બનેલા તમામ ૧૮૦થી વધારે બોર્ડર આઉટપોસ્ટને એલર્ટ કરી દેવાયા છે. તાજેતરમાં આઇટીબીપીએ લદ્દાખમાં બોર્ડર પોસ્ટ પર ૧૫૦૦ વધારે જવાનોની તૈનાતી કરી હતી.
તિબેટથી હિમાચલ પ્રદેશના કિન્નોર અને લાહોલ-સ્પીતિ નજીક સુરક્ષા માટે મહત્વના પગલા લેતા એલર્ટ જારી કરી દેવાયુ છે. રાજ્ય સરકારે મંગળવારે આ જાણકારી આપી છે. રાજ્ય સરકારે કહ્યુ કે આ પગલા ખાનગી જાણકારી બાદ ઉઠાવવામાં આવ્યા છે અને તમામ રાજ્ય ખાનગી એકમોને પણ એલર્ટ કરી દેવાયા છે.