ન્યુ દિલ્હી : ઇન્ડિયન પ્રીમિયમ લીગ (આઇપીએલ-૨૦૨૧)ની ૧૪મી સીઝન ૯ એપ્રિલથી શરૂ થશે. આઇપીએલ ૨૦૨૧ માટે ચેન્નઇ સુપર કિંગ્સની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. સીએસકેના સ્ટાર ખેલાડી રવિન્દ્ર જાડેજાએ આઇપીએલ ૧૪ શરૂ થયા તે પહેલાં મહેન્દ્ર સિંહ ધોની સાથે મુલાકાત કરી. તેણે આ મુલાકાતની તસવીર શેર કરતાં લખ્યું, જ્યારે પણ હું તેને મળું છું, તો એવું લાગે છે કે હું તેને પ્રથમ વખત મળી રહ્યો છું. વર્ષ ૨૦૦૯માં તેને મળવા જેવો ઉત્સાહ અત્યારે પણ છે.
જાડેજા સીએસકેના મુખ્ય ખેલાડીઓમાંથી એક છે. તે લાંબા સમયથી ઇજાને કારણે મેદાનની બહાર હતો. ઇંગ્લેન્ડ વિરુદ્ધ ટેસ્ટ સીરિઝમાં તેની જગ્યાએ અક્ષર પટેલને સામેલ કરવામાં આવ્યો હતો. તેણે ઇંગ્લેન્ડ વિરુદ્ધ વન-ડે અને ટી-૨૦ સીરિઝ પણ રમી નહોતી. સીએસકે પણ ટિ્વટર પર રવિન્દ્ર જાડેજા અને સુરેશ રૈનાની તસવીર શેર કરી છે.
સીએકેને એક મોટો ઝટકો લાગ્યો હતો. તેમની ટીમનો ઝડપી બોલર જોશ હેઝલવુડે પરિવાર સાથે સમય પસાર કરવા માટે આઇપીએલની બહાર રહેવાનો નિર્ણય લીધો છે. જો કે, સેમ કરણથી ટીમને ઘણી આશા છે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાયેલી વનડે સીરિઝની છેલ્લી મેચમાં તેણે આઠમાં નંબરે આવીને અણનમ ૯૫ રનની પારી રમી હતી.
સીએસકે માટે આઇપીએલની છેલ્લી સિઝન ખાસ રહી નહોતી. તે આઇપીએલના ઇતિહાસમાં પ્રથમ વખત પ્લેઓફમાં પણ પહોંચી શકી નહોતી. સીએસકે આઇપીએલ ૨૦૨૧માં તેની પ્રથમ મેચ ૧૦ એપ્રિલે મુંબઇમાં દિલ્હી કેપિટલ્સ સામે રમશે.