વડોદરાના પૂરો વિસ્તારની સંખ્યાબંધ સોસાયટીઓમાં કોર્પોરેશનની બેદરકારીને કારણે પાણીનો નિકાલ નહીં થતો…
વડોદરા,
વડોદરામાં પૂરની પરિસ્થિતિ વચ્ચે નિરાધાર હાલતમાં મુકાઇ ગયેલા નગરજનોએ સ્વયંભૂ રીતે પાણીના નિકાલ અને સ્વચ્છતાની કામગીરી શરૂ કરી રાજકારણીઓ અને અધિકારીઓને લપડાક લગાવી છે.
વડોદરાના પૂરો વિસ્તારની સંખ્યાબંધ સોસાયટીઓમાં કોર્પોરેશનની બેદરકારીને કારણે પાણીનો નિકાલ નહીં થતો હોઈ ચાર દિવસ પછી પણ લોકો લાઈટ-પાણી અને દૂધ વગર દિવસો વિતાવી રહ્યા છે. વાઘોડિયા-ડભોઇ રિંગ રોડ ઉપર આવેલી સોસાયટીઓના રહીશોને કોર્પોરેશન કે ચૂંટાયેલા નેતાઓની કોઈ મદદ નહીં મળતા આખરે પોતાની જાતે જ પાણી નિકાલ અને સ્વચ્છતા ઝુંબેશ શરૂ કરી દીધી છે. શ્યામલ સોસાયટીની ૫૦ જેટલી મહિલાઓ અને યુવક-યુવતીઓએ સવારથી પાણી નિકાલ માટે ગટરો સાફ કરી સફાઈના સાધનોથી સ્વચ્છતા આરંભી છે.
સ્થાનિકોનું કહેવું છે કે, અમારી ઉપર આભ અને નીચે પાણી છે. અમારી કોઈને દરકાર નથી. જેથી અમારે પણ હવે કોઈ નેતાની જરૂર નથી અને કોર્પોરેશનના તંત્રની પણ જરૂર નથી. આ લોકોએ અમારી પાસે મત માગવા કે વેરો લેવા આવવું નહીં.