રાજકોટ : રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં કોરોના કેસની સંખ્યામાં સતત વધારો થતો જાય છે. રાજકોટમાં આજે ૪૨ કેસ નોંધાયા છે. રાજકોટમાં કુલની સંખ્યા ૪૩૫૦ને પાર થઈ ગઈ છે. રાજકોટમાં કોરોના કેસની સંખ્યા ૪૩૮૪ પર પહોંચી છે. રાજકોટમાં હાલ ૧૪૧૧ દર્દીઓ સારવાર હેઠળ છે. રાજકોટ શહેરમાં રોજ ૧૦૦ની આસપાસ કોરોના કેસ નોંધાય રહ્યા છે. રાજકોટ કોરોનાનું હોટસ્પોટ બન્યું છે. રાજકોટમાં આજે રકોર્ડબ્રેક મોત નીપજ્યા છે. ૨૪ કલાકમાં ૩૬ દર્દીના મોત નીપજ્યા છે. જેમાં રાજકોટ શહેરના ૨૧, ગ્રામ્યના ૯ અને અન્ય જિલ્લાના ૬ દર્દીઓના મોત નીપજ્યા છે. અત્યાર સુધીમાં એક જ દિવસમાં સૌથી વધારે મોત નીપજ્યા છે. ગોંડલ શહેર અને ગ્રામ્યમાં બપોર સુધીમાં ૧૭ કેસ નોંધાયા છે. સરકાર દ્વારા કેટલીક શરતો સાથે લોકોને પોતાનો વ્યવસાય ચાલુ કરવા છૂટ આપવામાં આવી છે, લોકોએ સામાજિક અંતર રાખવું, માસ્ક પહેરવું જેવા નિયમોનું પાલન કરવું આવશ્યક છે.
શહેરમાં સોશિયલ ડિસ્ટન્સનો અને ફરજીયાત માસ્ક અંગેના ભંગ કરતા ધંધાર્થીઓ અને લોકો સામે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કડક અને દંડ વસુલ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. શહેરના જે-જે સ્થળોએ સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થાય છે તેવા સ્થળોએ દંડ અથવા સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. તેમજ માસ્ક વિના જાહેરમાં ફરતા લોકો સામે પણ દંડ વસુલ કરવાની કામગીરી કરવામાં આવે છે. દરમિયાન આજે સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરવા બદલ બે દુકાનો સીલ કરવામાં આવી છે, અને શહેરમાંથી ફરજીયાત માસ્ક અંગેના ભંગ કરતા ૧૩ આસામીઓ પાસેથી રૂપિયા ૧૩ હજારનો દંડ વસુલ કરવામાં આવ્યો છે. તેમ મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું. ઉલ્લખનીય છે કે બે દુકાનો સીલ કરવામાં આવી તેમાં રસિકભાઈ ચેવડાવાળાની દુકાનનો સમાવેશ થાય છે.
કોરોનાના સંક્રમણને અટકાવવા સોનીબજારના વેપારીઓએ સપ્તાહનું સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કર્યા બાદ હવે દાણાપીઠના વેપારીઓએ અડધો દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કર્યું છે. કોરોનાના કેસ વધતા જાય છે તે અનુસંધાને ૨૦૦ વેપારીએ નિર્ણય લીધો છે. સોમવારે સવારે ૮ કલાકે દુકાન ખુલશે અને બપોરે ૩ કલાકે દુકાન બંધ કરી દેવાશે. પરિસ્થિતિ કાબૂમાં આવી જશે તો ૨૦ સપ્ટેમ્બરથી દુકાન શરૂ કરી દેવાશે. રાજકોટ સિવિલ કોવિડ હોસ્પિટલમાં માત્ર દર્દીઓને જ રખાય છે તેમના સ્વજનોને પણ ચેપના કારણે રખાતા નથી. આથી તબિયત પૂછવા માટે કોલ સેન્ટર પર સતત મારો રહે છે. તેમાં સરળતા રહે તે માટે ખાસ કોવિડ દમન સોફ્ટવેર તૈયાર કરાયો છે. કોલ સેન્ટર પર ફોન આવે ત્યારે જે દર્દીની સ્થિતિ જાણવી હોય તેમનું નામ નોંધાય છે અને પછી તેમની સ્થિતિ જાણવા જે તે વોર્ડમાં ફાઈલ ફંફોસાય છે.