ન્યુ દિલ્હી : દેશની રાજધાનીમાં હવે કોરોનાનો પ્રકોપ ખૂબ ઘટી ગયો છે. જેને ધ્યાનમાં રાખી અનલોકની પ્રક્રિયા અંતર્ગત દિલ્હીમાં સોમવારથી તમામ માર્કેટ મોલ્સ, રેસ્ટોરંટ ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. જોકે, સ્કૂલ, કોલેજ, સ્વીમિંગ પુલ, સ્પા સેંટર બંધ રહેશે. આ માહિતી ખુદ સીએમ કેજરીવાલે આપી હતી.
રાજધાની દિલ્હીમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા ૩૬૧૦ છે. જ્યારે ૧૪,૦૨,૪૭૪ લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. દિલ્હીમાં ૨૪,૮૦૦ લોકોના કોરોનાથી મોત થયા છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા પ્રમાણે, દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૮૦,૮૩૪ નવા કેસ નોંધાયા છે. જ્યારે ૧,૩૨,૦૬૨ લોકો કોરોનાથી સાજા થયા છે. દેશમાં ૨૪ કલાકમાં ૩૩૦૩ લોકોના મોત થયા છે. દેશમાં ૭૨ દિવસ બાદ કોરોનાના સૌથી ઓછા કેસ નોંધાયા છે. ભારતમાં સતત ૩૧માં દિવસે કોરોના વાયરસના નવા મામલાથી રિકવરી વધારે થઈ છે. દેશભરમાં ૨૫ કરોડ ૩૧ લાખથી વધુ કોરોના વેક્સીન ડોઝ આપવામાં આવી ચુક્યા છે. ગઈકાલે ૩૪ લાખ ૮૪ હજાર લોકોને રસી અપાઈ હતી. અત્યાર સુધીમાં ૩૭ કરોડ ૮૨ લાખ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છ. ગઈકાલે ૨૦ લાખ કોરોના સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા.