2019 લોકસભા ચૂંટણી ચાલી રહી છે અને અલગ અલગ ક્ષેત્રના લોકો રાજનીતિમાં સામેલ થઇ રહ્યાં છે, પરંતુ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના પૂર્વ ગવર્નર રઘુરામ રાજનને રાજનીતિમાં આવવાં અથવા પોતાની રાજકીય પાર્ટી બનાવવામાં કોઇ રસ નથી. આની પાછળનું કારણ આપતાં રઘુરામ રાજન કહે છે કે જો હું રાજનીતિમાં ગયો તો મારી પત્ની મને છોડીને જતી રહેશે.
વાત જાણે એમ છે કે એવી ચર્ચા ચાલી રહી છે કે જો લોકસભા ચૂંટણીમાં વિપક્ષી ગઠબંધન અથવા કોંગ્રેસનો વિજય થાય તો રાજનને ભારતના નાણામંત્રી બનવાનો મોકો મળી શકે છે, પરંતુ રઘુરામ રાજને આ બધી અટકળો પર બ્રેક લગાડતાં કહ્યું કે, હું જ્યાં છું ત્યાં ખુશ છું અને મારી આવી કોઇ ઇચ્છા પણ નથી. રાજને કહ્યું કે મને લાગે છે કે જો હું રાજનીતિમાં આવી ગયો તો મારું પારિવારિક જીવન યોગ્ય રીતે ચાલશે નહીં. આની સાથે રાજને એ પણ કહ્યું કે હું રાજનિતી સાથે જોડાઇ ગયો તો મારી પત્ની મારો સાથ છોડી દેશે અને સાથે રહેશે નહીં.
ઉલ્લેખનીય છે કે આંતરરાષ્ટ્રીય મુદ્રો કોષના પૂર્વ અર્થશાસ્ત્રી રાજને RBI ગવર્નર તરીકે પોતાની બીજી ટર્મ માટે સરકારને ધરાર ના પાડી દીધી હતી. તેમણે પોતાના પુસ્તકના વિમોચન પર કહ્યુ હતું કે, હું જ્યાં છું ત્યાં ઠીક છું, પરંતુ મારા લાયક કોઇ કામ હશે તો ચોક્કસ હું ત્યાં જઇસ. રઘુરામ રાજન હાલ શિકાગો યુનિવર્સિટીના બુથ સ્કુલ ઓફ બિઝનેસમાં પ્રોફેસર છે.