પ્રથમ તબક્કે ૭૦૦ કરોડની સહાય પેકેજ મંજૂર કરી હતી, હવે નુકસાન ન થયું હોય તો પણ વળતર મળશે…
ગાંધીનગર : રાજ્યના ખેડૂતો માટે સારા સમાચાર છે. રાજ્યમાં વરસાદથી નુકસાન થયેલ પાક અંગેની સહાયમાં સરકારે વધારો કર્યો છે. અગાઉ નુકસાન કરાયેલા સર્વે ઉપરાંત અન્ય વિસ્તારના ખેડૂતોને પણ આ સહાયનો લાભ આપવા સરકારે તૈયારી બતાવી છે. અગાઉ સરકાર દ્વારા ૭૦૦ કરોડ રૂપિયાનું સહાય પેકેજ જાહેર કર્યું હતું. રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ અંગે જણાવ્યું કે, જે ખેડૂતોને નુકસાન થયું ના હોય એ ખેડૂતોને પણ સહાયમાં આવરી લેવાયા છે. રાજ્યના ૫.૯૫ લાખ ખેડૂતો માટે સરકાર દ્વારા ૩૭૯૫ કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.
૧૩ નવેમ્બરના રોજ પ્રથમ પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું. પ્રથમ તબક્કે ૭૦૦ કરોડની સહાય પેકેજ મંજૂર કરી હતી. ત્યારે પણ સરવેની કામગીરી ચાલુ છે. રજૂઆતોનો અભ્યાસ કરીને ખેડૂતોને સહાય કરવા માટે અમે વિચારણા કરવાના હતા. પ્રથમ તબક્કે જ્યાં કમોસમી વરસાદ થયો, અને ૧ ઈંચથી વધુ થયો, તેવા ૧૨૫ તાલુકાના ૯૪૧૬ ગામોમાં અંદાજે ૨૮ લાખ ૬૧ હજાર ખેડૂતોને અમે એસડીઆરએફના ધોરણ મુજબ, એક હેક્ટર દીઠ ૬૮૦૦ રૂપિયા અને વધુમાં ૨ હેક્ટરની મર્યાદામાં સહાય કરવાનો નિર્ણય કર્યો છે.
આ અંતર્ગત ૨૪૮૧ કરોડની આ ૧૨૫ તાલુકાના ખેડૂતોને અપાશે. જ્યાં ૧ ઈંચથી ઓછો વરસાદ થયો છે તેવા ૧૪૬૩ ગામના ૪ લાખ ૭૦ હજાર ખેડૂતોને એક હેક્ટર દીઠ ૬૮૦૦ રૂપિયા અને વધુમાં ૨ હેક્ટરની સહાય ચૂકવવાનો નિર્ણય કર્યો છે. તેમાં ૩૯૨ કરોડની સહાય આ ખેડૂતોને મળશે. આમ, એક ઈંચથી ઓછો વરસાદ થયો છે તેવા ગામોને પણ અંદાજે ૫ લાખ ૯૫ હજાર ખેડૂતોને તેઓને ખાતાદીઠ ૪૦૦૦ની સહાય આપવાનો નિર્ણય ક્રયો છે. તેમાં ૨૩૮ કરોડની ચૂકવણી કરવામા આવશે. ૧ ઈંચથી ઓછો વરસાદ થયો હોય અથવા ન પણ થયો હોય, અથવા કોઈ નુકશાન ન થયું હોય તેવા રાજ્યના ૨૧ જિલ્લાના ૮૧ તાલુકામાં તેઓને સહાય મેળવવા ભલામણ કરવાની રજૂઆત આવી હતી. તેઓને ૪૦૦૦ રૂપિયાની ઉચ્ચક સહાય ખાતા દીઠ આપવી તેવું નક્કી કરાયું છે. તેમાં ૧૮૩૬૯ ગામના લગભગ ૫૬ લાખ ૩૬ હાજર ખેડૂતોને પણ આ સહાય પેકેજનો લાભ આપવાની જાહેરાત કરાઈ છે.