૫૦ ટકા ડેમ હાઈએલર્ટ પર, ૧૩ તાલુકામાં ૮૦ ઇંચથી વધુ વરસાદ, ઉ. ગુ.માં સૌથી ઓછો ૮૮.૪૨ ટકા…
૨૦૪ ડેમોમાં ૮૦.૬૯ ટકા અને સરદાર સરોવરમાં ૯૧.૩૩ ટકા જળસંગ્રહ…
અમદાવાદ,
વાયુ વાવાઝોડાને પગલે ગુજરાતમાં ચોમાસાની શરૂઆતમાં વરસાદ ખેંચાયો હતો. પરંતુ જુલાઈ મહિનામાં ધોધમાર અને ખાસ કરીને ઓગસ્ટ મહિના વરસેલા સાર્વત્રિક વરસાદે ગુજરાતનું ચિત્ર બદલી નાખ્યું છે. અત્યાર સુધીમાં ગુજરાતમાં સિઝનનો ૧૧૦ ટકા વરસાદ વરસી ચૂક્યો છે. રાજ્યના ૨૦૪ ડેમોમાં ૮૦.૬૯ ટકા અને સરદાર સરોવર ડેમમાં ૯૧.૩૩ ટકા જળ સંગ્રહ થતા આગામી બે વર્ષ સુધી પીવાના અને સિંચાઈના પાણીનો કકળાટ નહિં રહે.
જિલ્લો વરસાદ(ટકા)
છોટાઉદેપુર ૧૪૨
કચ્છ ૧૪૧
જામનગર ૧૩૭
સુરત ૧૨૦
રાજકોટ ૧૧૦
ભાવનગર ૧૦૭
વડોદરા ૧૦૩
દ્વારકા ૧૦૨
ગુજરાતના ૨૦૪ ડેમોમાં ૮૧.૫૪ ટકા જળ સંગ્રહ થયો છે. સરદાર સરોવર ડેમમાં અત્યારે ૯૧.૨૬ ટકા પાણી ભરાયું છે. જેથી બે વર્ષ સુધી પીવાના અને સિંચાઈના પાણીનો કકળાટ નહિં રહે. મધ્ય ગુજરાતના ૧૭ ડેમમાં ૯૫.૮૨ ટકા, દક્ષિણ ગુજરાતના ૧૩ ડેમોમાં ૮૭.૧૫ ટકા, કચ્છના ૨૦ ડેમોમાં ૭૫.૩૭ ટકા, સૌરાષ્ટ્રના ૧૩૯ ડેમોમાં ૭૫ ટકા અને ઉત્તર ગુજરાતના ૧૫ જળાશયોમાં ૪૮.૬૬ ટકા પાણીનો જથ્થો સંગ્રહ થયો છે.
ગુજરાતમાં અત્યાર સુધી સિઝનનો ૮૯૮ મિમી એટલે કે ૧૧૦ ટકા વરસાદ વરસી ચૂક્યો છે. જેથી ગુજરાતના ૨૦૪ ડેમોમાંથી ૧૦૧ ડેમોને હાઈએલર્ટ પર મુકવામાં આવ્યા છે. જ્યારે ૧૮ ડેમોમાં ૮૦-૯૦ ટકાથી વધુ પાણી સંગ્રહ થતા એલર્ટ પર મુકવામાં આવ્યા છે. તેમજ અન્ય ૭ ડેમોમાં ૭૦-૮૦ ટકા પાણી હોવાથી વોર્નિંગ અપાઈ છે. સરદાર સરોવર ડેમની સપાટી હોલ ૧૩૬ મીટરે પહોંચી છે. ડેમના મુખ્ય ઈજનેર મુજબ હજુ ડેમનો પ્રવાહ ચાલુ હોવાથી સપ્ટેમ્બરના અંત સુધીમાં ડેમની સપાટી ૧૩૮ મીટરને પાર થઈ જશે.