ગાંધીનગર : રાજ્યમાં સિંહ, સિંહબાળ, દીપડા અને દીપડાના બચ્ચાના મૃત્યુ મુદ્દે ખંભાળિયા કોંગ્રેસના ધારાસભ્ય વિક્રમ માડમે ગ્રુહમાં પ્રશ્ન પૂછ્યો હતો. જેના જવાબમાં રાજ્ય સરકારના વન મંત્રીએ વન્ય પ્રાણીઓના મૃત્યુ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, છેલ્લા બે વર્ષમાં સિંહ , સિંહ બાળ, દીપડા અને દીપડાના બચ્ચાના મૃત્યુની અલગ અલગ ઘટનાઓમાં કુલ ૧૩૮ સિંહના મૃત્યુ થયા છે. જેમાં ૨૦૧૮માં ૫૯ સિંહ અને ૨૦૧૯માં ૭૯ સિંહોના મૃત્યુ નોંધાયા હોવાનો સ્વીકાર કર્યો હતો.
છેલ્લા બે વર્ષમાં સિંહ બાળ ૧૨૩ મૃત્યુ થયા છે. જેમાં સૌથી વધુ સિંહ બાળના મૃત્યુ ૬૯ વર્ષ ૨૦૧૯માં થયાનો સ્વીકાર કર્યો હતો. જ્યારે ૨૫૦ દીપડા અને ૯૦ દીપડાના મૃત્યુ છેલ્લા બે વર્ષમાં નોંધાયા હોવાનો એકરાર વન મંત્રીએ કર્યો હતો. અત્રે નોંધનીય છે કે છેલ્લા બે વર્ષમાં દીપડાના બચ્ચાના એક સરખી સંખ્યા એટલે કે વર્ષ ૨૦૧૮માં ૪૫ અને ૨૦૧૯માં પણ ૪૫ દીપડાના બચ્ચા મૃત્યુ થયાનો સ્વીકાર કર્યો છે. જ્યારે અકુદરતી રીતે ૧૧ સિંહ, ૬ સિંહ બાળ, ૭૯ દિપડા અને ૧૬ દીપડાના બચ્ચાના અકુદરતી મૃત્યુ થયાનો સ્વીકાર વન મંત્રીએ કર્યો હતો.
રાજ્યના વન વિભાગે વન્ય પ્રાણીઓના અકુદરતી મૃત્યુની ઘટના રોકવા તાત્કાલિક સારવાર માટે વેટરનરી ઓફિસરની નિમણૂક કરી છે જ્યારે વન્ય પ્રાણી મિત્રોની નિમણૂકની સાથે સાથે પ્રાણીઓ ટ્રેકરોની નિમણુકો કરવામાં આવી છે. આ ઉપરાંત જંગલમાં આવેલા કુવાઓના ફરતે વાડ બનાવવામાં આવી છે જ્યારે રેલવે લાઈનની આજુબાજુના ફેંસિંગ અને વન વિસ્તાર અને અભિયારણ વિસ્તારમાંથી પસાર થતાં રસ્તાઓ ઉપર સ્પીડ બ્રેકરો મુકવામાં આવ્યા છે. જ્યારે સાસણ ખાતે અદ્યતન હોસ્પિટલ તથા લાયન એમ્બ્યુલન્સ કાર્યરત થઈ છે. જ્યારે સ્ટાફને વોકિટોકી ફાળવી વિવિધ આયોજનો અને પગલાં લેવામાં આવી રહ્યાનો સ્વીકાર કર્યો છે.