અમદાવાદ : રાજ્યમાં સ્કૂલ ફી ભરવામાં વાલીઓને ૨૫ ટકા રાહત આપવામાં આવી છે. પરંતુ રાજ્યમાં ટ્યુશન ક્લાસિસ હજી શરૂ થયા નથી. ત્યારે ટ્યુશન ક્લાસિસ સંચાલકોએ સરકાર સામે રોષ વ્યક્ત કર્યો છે. રાજ્ય સરકાર ટ્યુશન ક્લાસિસ શરૂ કરવા ગાઈડલાઈન જાહેર કરે તેવી માંગ કરી છે. જે પણ SOP સરકાર આપશે, તે મુજબ ટ્યુશન ક્લાસિસ સંચાલકો ફરી એકવાર શરૂઆત કરવા તૈયાર છે. સરકાર પરવાનગી આપે તેવી માંગ સાથે અમદાવાદના સુભાષ બ્રિજ ખાતે વિરોધ કરાયો હતો.
ટ્યુશન ક્લાસિસ ચાલુ કરવાની પરવાનગી માટે ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. અમદાવાદ એજ્યુકેશન ગ્રુપ દ્વારા ધરણા કરવામાં આવ્યા હતા. છેલ્લા ૭ મહિનાથી ટ્યુશન ક્લાસિસ બંધ રહ્યા છે. ત્યારે ટ્યુશન ક્લાસિસ શરૂ કરવા સરકાર પરવાનગી આપે તેવી માંગ સાથે વિરોધ કરાયો હતો. સુભાષ બ્રિજ પાસે ધરણા પ્રદર્શન યોજવામાં આવ્યા હતા. તેમજ સુભાષચંદ્ર બોઝની પ્રતિમાને ફૂલોની માળા પહેરાવવામાં આવી હતી. ટ્યુશન ક્લાસિસ સંચાલકોને આ કાર્યક્રમ માટે પરવાનગી અપાઈ ન હતી, છતા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યુ હતુ.