પાર્ટી ઉમેદવારોને સીધા મૅન્ડેટ આપશે…
અમદાવાદ : રાજ્યમાં પેટાચૂંટણીનું બ્યૂગલ ફૂંકાઇ ગયુ છે ત્યારે બન્ને રાજકીય પક્ષોએ તૈયારીઓ આરંભી દીધી છે. કૉંગ્રેસ પક્ષે મુરતિયાઓ શોધવાની કવાયત શરૂ કરી છે. વિધાનસભા બેઠકદીઠ નિરીક્ષકો દ્વારા તૈયાર કરાયેલી પેનલમાંથી એક ઉમેદવાર પાર્ટી સીધો મૅન્ડેટ આપશે. પાર્ટી દાવેદારોની પ્રતિક્રિયા નહીં માંગે.
૨૧મી ઑક્ટોબરના રોજ ગુજરાતની ખાલી પડેલી સાત પૈકી છ વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી યોજાશે. આ ચૂંટણીનું પરિણામ આગામી ૨૪ તારીખે જાહેર થશે. ચૂંટણી પહેલાં કૉંગ્રેસ પક્ષે ઉમેદવારની પસંદગીની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. કૉંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ ઉમદેવારની પસંદગી માટે કવાયત શરૂ કરી છે. કૉંગ્રેસના જાણકાર સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે કૉંગ્રેસ પક્ષ આ વખતે ઉમેદવારને સીધો મૅન્ડેટ આપશે. ઉમેદવારની પસંદગી સ્થાનિક કક્ષાએ કરવામાં આવશે. નિરીક્ષકો દ્વારા અપાયેલા નામ પર પ્રદેશ કૉંગ્રેસ પ્રમુખ મહોર મારશે.
કોંગ્રેસમાં અમરાઇવાડી બેઠક માટે પાટીદાર ઉમેદવારના નામની ચર્ચા…
પેટાચૂંટણીને લઇ કોંગ્રેસ ખાતે બેઠકોનો ધમધમાટ શરૂ થયો છે. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની અઘ્યક્ષતામાં બેઠક યોજાઇ છે. બેઠક દીઠ નિરીક્ષકો સાથે પ્રમુખ ચર્ચા કરશે. અમરાઇવાડીના સંભવિતો ઉમેદવારો પ્રદેશ કોંગ્રેસ કાર્યલાય પહોચ્યા હતા. ઉમેદવારની પસંદગી પ્રક્રિયાને લઇને ચર્ચા કરવામાં આવી. ૩૦ સપ્ટેમ્બરના ઉમેદવારી ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે. અમદાવાદના અમરાઇવાડી બેઠક પર યોજાનારી પેટાચૂંટણીમાં ભાજપના ૧૦ જેટલા નામ સામે આવ્યા છે. જેમાં પૂર્વ મેયર આસિત વોરા, મહેશ કસવાલા, કમલેશ પટેલ અને અમુલ ભટ્ટનું નામ પણ ચર્ચામાં છે.