ગાંધીનગર : રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદને લઈ ગુજરાતમાં ૨૨૫ રસ્તા બંધ કરવામાં આવ્યા છે. ૧૮ સ્ટેટ હાઈવે, ૨૦૭ પંચાયત હસ્તકના રસ્તા બંધ કરવામાં આવ્યા છે. ગુજરાતમાં બંધ કરાયેલા રસ્તાઓમાં સુરતના ૬, વડોદરા, રાજકોટના ૧-૧ હાઈવે બંધ કરવામાં આવ્યો છે. આ સિવાય સ્ટેટના ૧૮ રસ્તાઓ અને પંચાયતના ૨૦૭ રસ્તાઓ બંધ છે. વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, તાપી, રાજકોટ, દેવભુમી દ્વારકા, સુરેન્દ્રનગર અને પોરબંદરના ૧-૧ સ્ટેટ હાઈવે બંધ કરાયા છે, જ્યારે પંચાયતના ૨૦૭ રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. જેમાં વડોદરા ૧૦, નર્મદા ૪, છોટાઉદેપુર ૧, દાહોદ ૨, ભરુચ ૨, સુરત ૯૪, તાપી ૪૪, નવસારી ૧૭, વલસાડ ૧૫, ડાંગ ૯, રાજકોટ ૧, દેવભુમી દ્વારકા ૨, જુનાગઢ ૩ અને પોરબંદર જિલ્લાના ૩ રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે.
રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે. રાજ્યમાં આજે ૧૦ વાગ્યા સુધીમાં ૧૫૪ તાલુકામાં ભારે વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાતના સુરત જિલ્લામાં નોંધાયો છે. સુરતના કામરેજમાં ૪ ઈંચ, માંડવીમાં ૩.૫ ઈંચ વરસાદ નોંધાયો છે. ઉમરપાડામાં ૩.૫ ઈંચ, ઓલપાડમાં ૨.૫ ઈંચ વરસાદ નોંધાયો છે. સુરતના સુરત સીટી અને ઓલપાડમાં અઢી ઇંચ વરસાદ વરસ્યો નોંધાયો છે, જ્યારે સુરતના માંગરોલ અને બારડોલીમાં બે ઇંચ કરતા વધારે વરસાદ વરસ્યો છે.
સરદાર સરોવર ડેમમાં પણ પાણીની જોરદાર આવક થઈ છે. પાણીની આવક થતા ડેમની જળસપાટી ૧૨૦ મીટર પર પહોંચી ગઈ છે. ઉપરવાસમાંથી ૨૮૦૦૦ ક્યુસેક પાણીની આવક થઈ છે. સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં ૩૧ સેન્ટિમીટરનો વધારો થયો છે. આજે જળસપાટી ૧૨૦ મીટર પર પહોંચી ગઈ છે. હજી પણ ૧૨૦૦ મેગાવોટનાં રિવર બેડ પાવર હાઉસના તમામ યુનિટી બંધ છે. ડેમમાં કુલ જીવંત જથ્થો ૧૧૭૩ મિલિયન ક્યુબીક મીટર છે.