અમદાવાદમાં વધુ ત્રણ નવા કેસ નોંધાયા, કુલ પોઝિટિવ કેસ ૫૮
અમદાવાદમાં ૪૫ વર્ષિય વ્યક્તિનું કોરોનાથી મોત, તમામ જિલ્લાઓમાં બે કોવિડ-૧૯ હોસ્પિટલ કરાશે શરૂ… રાજ્યમાં અત્યારે ૧૯,૬૬૧ વ્યક્તિઓ ક્વોરેન્ટાઈન હેઠળ અને ૫ કરોડ લોકોનો સર્વે કર્યો…
ગુજરાતમાં લોકલ ટ્રાન્સમિશનના કારણે કોરોના પોઝિટિવ વધે છે, કુલ ૫૮ કેસમાં ૨૬ લોકલ ટ્રાન્સમિશન વાળા દર્દીઓ…
ગાંધીનગર : ચીનથી ફેલાયેલ કોરોના વાયરસના કારણે આખી દુનિયામાં મોતનું તાંડવ જોવા મળી રહ્યું છે. ભારતમાં પણ કોરના વાયરસના કેસ સતત વધી રહ્યા છે. ત્યારે હવે એક ચોંકાવનારા સમાચાર આવ્યા છે. માહિતી મુજબ અમદાવાદમાં વધુ એક કોરોનાના દર્દીનું મોત થયું છે. અમદાવાદમાં ૪૫ વર્ષીય પુરુષનું કોરોના સારવાર દરમિયાન મોત થયું હોવાની પુષ્ટિ થઈ છે. મૃતકને ડાયાબિટીસની પણ બીમારી હતી. આ સાથે હવે રાજ્યમાં અત્યાર સુધી કોરોના વાયરસથી કુલ ૫ લોકોના મોત થયા છે. મળતી માહિતી મુજબ અમદાવમાદમાં કોરોના સંક્રમણના વધુ ૩ કેસ પોઝિટીવ આવ્યા છે. આ સાથે અમદાવાદમાં કોરોનાના કુલ ૨૧ કેસ પોઝિટીવ નોંધાયા છે.
ડો. જયંતિ રવિએ ઉમેર્યું કે, રાજ્યમાં જે ૫૮ કેસ પોઝીટીવ નોંધાયા છે, જેમાં અમદાવાદમાં ૨૧, સુરતમાં ૦૭, રાજકોટમાં ૦૮, વડોદરામાં ૦૯, ગાંધીનગરમાં ૦૯, ભાવનગર, કચ્છ, મહેસાણા અને ગીર સોમનાથ સહિત પ્રત્યેક જિલ્લામાં એક-એક કેસ નોંધાયો છે.
ગુજરાતમાં નોંધાયેલા કોરોના પોઝિટિવના કુલ ૫૮ કેસમાં વિદેશથી આવેલા પ્રવાસીઓ જેટલા જ કેસો લોકલ ટ્રાન્સમિશનના બહાર આવી રહ્યા છે. ગુજરાતના કુલ ૫૮ કેસમાં વિદેશના ૨૮ કેસની સાથે લોકલ ટ્રાન્સમિશનના ૨૬ અને આંતરરાજ્યના ૪ કેસ છે. ગુજરાતમાં કોરોનાના કારણે થયેલા ૫ મોતમાં પણ ૨ લોકલ ટ્રાન્સમિશન અને ૨ આંતરરાજ્યના કેસ છે.
રાજ્યના ચારેય મહાનગરો અને જિલ્લા કક્ષાએ ૫૫૦૦ જેટલા બેડની અલાયદી સુવિધાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવી છે, જેમાં અમદાવાદ ખાતે ૧૨૦૦, સુરત ખાતે ૫૦૦, વડોદરા ખાતે ૨૫૦, રાજકોટ ખાતે ૨૫૦ બેડની સુવિધાવાળી ખાસ કોવિડ હોસ્પિટલ કાર્યરત થઈ ગઈ છે. એજરીતે રાજ્યના તમામ જિલ્લામાં ૫૦ સરકારી અને ૫૦ ખાનગી મળી અંદાજે ૧૦૦ બેડની સુવિધા વાળી ૩૩૦૦ બેડની વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવી છે.
રાજ્યના સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જણાવવામાં આવ્યું છે કે, અમદાવાદમાં કોરોનાના કારણે મોતને ભેટેલી વ્યક્તિ પહેલાથી જ ડાયાબિટિસથી પીડાતી હતી. સ્વાસ્થ્ય વિભાગ દ્વારા આ માહિતી આપતું ટ્વીટ પણ કરવામાં આવ્યું છે. અમદાવાદમાંથી ૩૮૨ લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા છે જેમાંથી કોરોના પોઝિટિવ કેસ ૨૧ છે, તો ૪૦૨૦ લોકોને ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે.
રાજ્યમાં કુલ ૧૦૭૯ લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા છે જેમાંથી ૫૮ લોકો કોરોના પોઝિટવ આવ્યા છે. રાજ્યભરમાં ૧૯,૬૬૧ લોકોને વિવિધ રીતે ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. હજુ સુધી રાજ્યમાંથી કોઈ કોરોના વાયરસથી પીડાતી દર્દી સ્વસ્થ થઈ હોવાનો આંકડો સામે આવ્યો નથી.
કોરોના વાયરસના પોઝિટિવ કેસોમાં રાજ્યમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં લોકડાઉન હોવા છતા કોરોના પોઝિટીવ દર્દીઓનો આંકડો વધી રહ્યો છે. જ્યારે આખા રાજ્યની વાત કરીએ તો આ આંકડો ૫૮ એ પહોંચ્યો છે. માહિતી પ્રમાણે ત્રણે દર્દીઓને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે.