સુરતમાં મુખ્યમંત્રી-ના.મુખ્યમંત્રીએ પરિસ્થિતિની સમીક્ષા કરી…
સુરત : ગુજરાતમાં કોરોના કાબૂ બહાર જતાં ચિંતાના વાદળો ઘેરાયા છે. જેને પગલે ગુજરાત હાઈકોર્ટે પર ગુજરાત સરકારને લોકડાઉન કે કરફ્યૂ લાદવા નિર્દેશ કર્યો હતો. જે બાદ સીએમ વિજય રૂપાણીએ પ્રેસ કોન્ફરન્સને સંબોધન કર્યું હતું. અને ગુજરાત હાઈકોર્ટની લોકડાઉનની ટિપ્પણી અંગે પણ તેઓએ નિવેદન આપ્યું હતું.
સીએમ રૂપાણીએ કહ્યું કે, દેશ અને ગુજરાતમાં કોરોનાનાં કેસ વધ્યા છે. અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં ટોટલ કેસના ૬૦ ટકા કેસ જોવા મળે છે. અન્ય જિલ્લાઓમાં પણ કેસ વધ્યા છે. છેલ્લા ૧ વર્ષથી કોરોના સામે સંઘર્ષ કરતાં આવ્યા છીએ. હાલમાં કોરોનાનું વાતાવરણ જોતાં લાગે છે કે કેસ વધશે. પણ તેનાથી ડરવાની જરૂર નથી. પણ સાવચેતી રાખવાની જરૂર છે. અને એટલા માટે વેક્સિનેશન વધાર્યું છે. હાલ ગુજરાતમાં રોજ ૪ લાખથી વધુ લોકોને રસી આપવામાં આવે છે. ૭૦ લાખ લોકોને રસી આપી દેવામાં આવી છે. ઝડપથી લોકોને વેક્સિન લાગવા મંડે અને બીજો રાઉન્ડ પણ પતે એ ઈલાજ આપણા હાથમાં આવ્યો છે. વર્ષ પહેલાં હથિયાર આપણી પાસે ન હતું. અને હવે રસી આપણા હાથમાં છે. એટલે લોકો રસી લગાવે તેમ વિનંતી કરું છું. ૯૮ ટકા લોકો માસ્ક પહેરવાને કારણે બચી જાય છે. માસ્ક વ્યવસ્થિત પહેરે તેવી લોકોને અપીલ છે.
કોરોનાનું સંક્રમણ ઓછામાં ઓછું થાય તેટલે ટેસ્ટિંગ વધાર્યું છે. આજે લગભગ ૧ લાખ ૨૦ હજાર સુધી રોજ ટેસ્ટિંગ કરી રહ્યા છે. ટેસ્ટિંગ પછી ટ્રેસિંગ કરીને ટેસ્ટ કરી રહ્યા છીએ. પોઝિટિવ કેસ આવે તેનું ટ્રીટમેન્ટ વધારે થાય તેના માટે સરકારે ૧૦૪ની સુવિધા શરૂ કરી છે. ૧૦૪ પર કોલ કરતાં જ સારવાર શરૂ કરી દેવામાં આવે છે. સંજીવની રથ પણ હોમ ક્વોરન્ટાઈન દર્દી માટે શરૂ કરાયા છે.
સુરતમાં ૧૦૦ સંજીવની રથ ઘરે સારવાર લઈ રહ્યા છે તેમના માટે શરૂ કરવામાં આવશે. એક નિર્ણય કર્યો છે કે સુરતમાં ખાનગી નર્સિંગ હોમ કે જે ૧૦-૨૦ બેડ નર્સિંગ હોમ ચલાવે છે તે લોકોને માઈલ્ડ અને એસિપ્મોમેટિક કેસની સારવાર કરી શકે છે. જેથી કોવિડ રજીસ્ટર હોસ્પિટલમાં આ પ્રકારના માઈલ્ડ દર્દીથી બેડ રોકાઈ નહીં. અને સીરિયસ કેસ છે તેના માટે હોસ્પિટલમાં બેડ મળે.
સુરતમાં ૮૦૦ બેડની કિડની હોસ્પિટલમાં વધારવામાં આવશે. નવા ૩૦૦ વેન્ટિલેટર સુરતને મળશે. ખાનગી હોસ્પિટલમાં પણ વેન્ટિલેટર આપવામાં આવશે. રેમડેસિવિર ઈન્જેક્શનના ૩ લાખ જથ્થાનો ઓર્ડર આપ્યો છે. ગુજરાતમાં કેડિલા ઝાયડ્સ કંપની ઈન્જેક્શન આપે છે. સરકારી હોસ્પિટલમાં મફતમાં ઈન્જેક્શન આપવામાં આવશે. જ્યારે ખાનગી હોસ્પિટલમાં જ દર્દીઓને જોતાં સીધા હોસ્પિટલને જ ઈન્જેક્શન આપવામાં આવશે. અને તેની અછત ન સર્જાઈ તેના માટે સરકારે પ્લાનિંગ કરી રાખ્યું છે.