મુખ્યમંત્રી છેલ્લે સુધી હાજર રહ્યાં, કોરોનાની ગાઈડલાઈન મુજબ કરાયા અંતિમ સંસ્કાર…
રાજકોટ : રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજનો પાર્થિવદેહ ચેન્નઈથી અમદાવાદ એરપોર્ટ પર લાવવામાં આવ્યો હતો. ત્યાર બાદ અમદાવાદથી બાય રોડ તેમના દેહને રાજકોટ તેમના નિવાસસ્થાને લાવવામાં આવ્યો હતો. શાસ્ત્રોક્ત વિધિ બાદ પાર્થિવદેહને અંતિમ દર્શન માટે રાખવાામાં આવ્યો હતો. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પાર્થિવદેહનાં દર્શન કરી પ્રદક્ષિણા કરી હતી. બાદમાં અંતિમયાત્રામાં વિજય રૂપાણી પણ હાજર રહ્યાં હતા અને કાલાવડ રોડ સ્થિત મોટામવા સ્મશાન ખાતે કોરોનાની ગાઈડલાઈન મુજબ ઈલેક્ટ્રિક ભઠ્ઠીમાં અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા અને અભયભાઈનો પાર્થિવદેહ પંચમહાભૂતમાં વિલીન થયો હતો. મુખ્યમંત્રી રૂપાણી છેલ્લે સુધી હાજર રહ્યા હતા.મોટી સંખ્યામાં લોકો ઊમટી પડતાં ઘરની બહાર રસ્તા પર ખુરશીઓ મૂકી રસ્તો બંધ કરવામાં આવ્યો હતો. અંતિમ દર્શન માટે લોકોની લાંબી લાઈન લાગી હતી. કોવિડની ગાઈડલાઈન પ્રમાણે અંતિમયાત્રામાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને અભયભાઈના પરિવારજનો સહિત ૫૦ લોકો જ જોડાયા હતા.
અભયભાઈના પાર્થિવદેહના ભાજપના મંત્રીમંડળે અંતિમ દર્શન કર્યા હતા. જેમાં આર.સી. ફળદુ, જયેશ રાદડિયા, ભુપેન્દ્રસિંહ ચુડાસમા, ધનસુખ ભંડેરી સહિતના નેતાઓએ અંતિમ દર્શન કરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી. રાજકોટ ભાજપના આગેવાનો અને કાર્યકરો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.
ઝ્રસ્ વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, તાજેતરમાં જ રાજ્યસભાના સાંસદ બન્યા હતા. કોરોના સામે ખૂબ મોટી લડત આપી. ૯૦ દિવસ કરતા વધુ સારવાર ચાલી, હું લડત આપીશ તેવું તેમણે લખ્યું હોવાનું પરિવારજનોએ મને જણાવ્યું હતું. સૌરાષ્ટ્રના એડવોકેટ જગતને મોટી ખોટ પડી છે. અમારા મિત્ર હતા એટલે અમને મિત્રોમાં પણ મોટી ખોટ પડી છે. અભયભાઈ નાની વયે સમાજ ઉપયોગી અને ગરીબ લોકોના માટે ગ્રાન્ટ વાપરવાના હતા. તેમને તેની ગ્રાન્ટ આદિવાસી સમાજ માટે વાપરવાનું કહ્યું હતું.
અભય ભારદ્રાજના પાર્થિવદેહને બે વાગ્યે અમીન માર્ગ પર આવેલા તેમના નિવાસસ્થાને અંતિમ દર્શન માટે રખવામાં આવ્યો હતો. અંતિમ દર્શન કરવા મુખ્યપ્રધાન વિજય રૂપાણી સહિતના નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. કાલાવડ રોડ પર આવેલા મોટામોવા સ્મશાનગૃહ ખાતે અંતિમવિધિ કરવામાં આવી હતી.અંતિમયાત્રામાં માત્ર પરિવારજનોની ઉપસ્થિતિ રહ્યા હતા.