મુંબઇ : હાલ રાષ્ટ્રવ્યાપી લૉકડાઉન લાગૂ છે, ત્યારે લોકોમાં પોત-પોતાના ઘરોમાં કેદ છે. આવા સમયે રામાયણ અને મહાભારતના પુનઃ પ્રસારણને ટીવી પર જોનારા દર્શકોની સંખ્યા ઘણી વધી ગઈ છે. બીએઆરસીના મુખ્ય કાર્યકારી સુનિલ લુલ્લાએ સંકેત આપ્યો કે, રામાયણ અને મહાભારતના કારણે દૂરદર્શનના દર્શકોની સંખ્યામાં ઘણો વધારો થયો છે..
બીએઆરસીએ જણાવ્યું કે, ૧૨ એપ્રિલના સમાપ્ત થયેલા સપ્તાહ સુધી ટીવી દર્શકોનો આંકડો કોરોના પહેલાની સરખામણીએ ૩૮ ટકા વધ્યો છે. જે એક મોટો આંકડો છે, કારણ કે લૉકડાઉનમાં જ સામાન્ય દિવસોની સરખામણીમાં દર્શકોની સંખ્યામાં વધારો થયો હતો.
જો કે તેની બીજી બાજુ પણ છે. એક તરફ દર્શકોની સંખ્યા વધી છે, તો બીજી તરફ જાહેરખબરોમાં ઘટાડો આવ્યો છે. આ દરમિયાન જાહેરખબોરના સમયમાં કુલ ૨૬ ટકાની કમી જોવા મળી રહી છે.
જો કે આ દરમિયાન રામાયણમાં કુંભકરણ અને લક્ષ્મણના પ્રસંગો અને મહાભારતના પાત્રોને લઈને સોશિયલ મીડિયામાં અનેક મિમ્સ બની રહ્યાં છે. દરેક એપિસોડ વિશે લોકો વાતચીત કરી રહ્યાં છે. દર્શકોની ડિમાન્ડ પ્રમાણે જ દૂરદર્શને રામાયણ અને મહાભારતના શૉનું પુનઃ પ્રસારણ કરવું પડી રહ્યું છે.