સાતવ-ચાવડા-ધાનાણી સહિતના નેતાઓની અટકાયત…
અમદાવાદમાં કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન : લોકશાહી-સંવિધાન બચાવોના લાગ્યા નારા…
બુધવારે ઉત્તર પ્રદેશના સોનભદ્રમાં થયેલા ગોળીબાર-નરસંહારકાંડના પિડીતોને મળવા જઈ રહેલા કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા પ્રિયંકા ગાંધીની અટકાયતના વિરોધમાં ગુજરાત કોંગ્રેસના રાજ્ય પ્રભારી રાજીવ સાતવ, પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા તથા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીના વડપણમાં અમદાવાદમાં કોચરબ આશ્રમ ખાતે વિરોધ પ્રદર્શન કરતા પોલીસ સાતવ, ચાવડા તથા ધાનાણી સહિતના નેતાઓની અટકાયત કરી હતી. આજે સવારે પ્રદેશ નેતાઓના વડપણ હેઠળ કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કરી લોકશાહી બચાવો, સંવિધાન બચાવોના નારા સાથે જોરદાર દેખાવો કરતા પોલીસ રાજીવ સાતવ સહિતના નેતાઓની ટીંગાટોળી કરીને અટકાયત કરી હતી. સોનભદ્રમાં બુધવારે થયેલા ગોળીબાર કાંડ બાદ કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા પીડિતોને મળવા જઇ રહ્યા હતા. જોકે યુપી પોલીસે તેમની પીડિતોને મળે તે પહેલા અટકાયત કરી હતી. જેનો પ્રિયંકા ગાંધી અને તેમના કાર્યકરોએ વિરોધ દર્શાવ્યો. ત્યારે સોનભદ્રની આગ ગુજરાત સુધી પહોંચી હતી.