ન્યુ દિલ્હી : કોરોના વાયરસની બીજી લહેરની ગતિ ધીમી પડવા સાથે ત્રીજી લહેર વિશે ઘણા પ્રકારના સમાચારો સામે આવી રહ્યા છે. હાલમાં જ મહારાષ્ટ્ર આરોગ્ય વિભાગની ટીમે પોતાના રિપોર્ટમાં કહ્યુ કે જો લોકોએ કોરોના વાયરસ સંબંધી પ્રોટોકૉલનુ પાલન કરવામાં બેદરકારી રાખી તો રાજ્યમાં મહામારીની ત્રીજી લહેર પણ આવી શકે છે. જો કે, આ દરમિયાન ઈન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ(આઈસીએમઆર)એ એક રાહતની માહિતી આપી છે. આઈસીએમઆરે પોતાના નવા રિસર્ચમાં જણાવ્યુ છે કે જો કોરોના વાયરસની ત્રીજી લહેર આવી તો તેની બીજી લહેર જેટલી ગંભીર હોવાની સંભાવના ઓછી છે.
લંડનની ઈમ્પીરિય કૉલેજના સહયોગથી કરવામાં આવેલ રિસર્ચમાં આઈસીએમઆરે જણાવ્યુ કે જો રસીકરણ અભિયાનમાં વેગ લાવવામાં આવે તો ત્રીજી લહેરને આવવાથી રોકી પણ શકાય છે. રિસર્ચ મુજબ, ’જ્યાં સુધી કોરોના વાયરસનો આ નવો વેરિઅંટ છેલ્લા સંક્રમણથી બનેલી એંટીબૉડીનો સંપૂર્ણપણે નાશ ના કરી દે, ત્યાં સુધી તેનાથી મહામારીની એક નવી લહેર પેદા થવાનો ખતરો નથી. કોરોના વાયરસના એક વધુ સંક્રમક વેરિઅંટને ત્રીજી લહેર પેદા કરવા માટે ૪.૫ની પ્રજનન સંખ્યા સીમાને પાર કરવી પડશે.
તમને જણાવી દઈએ કે હાલમાં જ દેશના મોટા ડૉક્ટરોમાં ગણાતા અને જીનોમ સીક્વેંસર ડૉ. અનુરાગ અગ્રવાલે પણ કહ્યુ હતુ કે કોરોના વાયરસની સંભવિત ત્રીજી લહેરથી ડેલ્ટા પ્લસ વેરિઅંટને કોઈ લેવા-દેવા નથી. પોતાના અભ્યાસનો રિપોર્ટ જાહેર કરીને ડૉ.અનુરાગ અગ્રવાલે જણાવ્યુ, ’અમારી ટીમે મહારાષ્ટ્રમાં ૩૫૦૦થી વધુ સેમ્પલ લઈને તેની સિક્વંસિંગ કરી. આમાં ડેલ્ટા પ્લસ વેરિઅંટના કેસો તો સૌથી વધુ મળ્યા પરંતુ તે એક ટકાથી પણ ઓછા હતા. આવી સ્થિતિમાં હાલમાં એવા કોઈ પુરાવા નથી જેનાથી કહી શકાય કે ડેલ્ટા પ્લસ વેરિઅંટથી મહામારીની ત્રીજી લહેર આવી શકે છે.