લોકસભા ચૂંટણી વચ્ચે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની નાગરિકતાનો મામલો ગરમાયો છે. હવે આ સંબંધમાં હોમ મિનિસ્ટ્રીએ રાહુલ ગાંધીને નોટિસ મોકલી છે. રાહુલ ગાંધીને પૂછવામાં આવ્યું છે કે, તમારી બ્રિટિશ નાગરિકતાને લઇને ફરિયાદ કરવામાં આવી છે, આના પર તમારું વલણ સ્પષ્ટ કરો અને તથ્ય સામે રાખો. રાહુલ ગાંધી પાસે 15 દિવસની અંદર આ અંગે જવાબ માગવામાં આવ્યો છે. આ નોટિસ પર કોંગ્રેસે કહ્યું હતું કે, રાહુલ ગાંધી જન્મજાત ભારતીય છે અને આખી દુનિયા તે જાણે છે.હોમ મિનિસ્ટ્રીએ રાહુલ ગાંધીને આ નોટિસ ભારતીય જનતા પાર્ટીના રાજ્યસભા સાંસદ સુબ્રમણ્યમ સ્વામીની ફરિયાદ પર મોકલી છે. 29 એપ્રિલના રોજ નાગરિકતા નિદેશક બી.સી. જોશી તરફથી મોકલવામાં આવેલી નોટિસમાં રાહુલ ગાંધીને પૂછવામાં આવ્યું હતું કે, એક કંપનીના દસ્તાવેજમાં તમારી નાગરિકતા બ્રિટિશ જાહેર કરવામાં આવી છે. આના પર તથ્ય શેર કરો,લેટરમાં લખવામાં આવ્યું છે કે, સાંસદ સુબ્રમણ્યમે હોમ મિનિસ્ટ્રીને જણાવ્યું હતું કે, 2003મા યુકેમાં રજિસ્ટર્ડ Backops Limited નામની કંપનીમાં રાહુલ ગાંધી ડિરેક્ટર હતા. સાથે જ કંપનીમાં સચિવ પણ હતા. ફરિયાદમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, 2005-06મા કંપની ફાઇલ કરવામાં આવેલા રિટર્નમાં રાહુલ ગાંધીની તિથિ 19/06/1970 દર્શાવવામાં આવી છે અને પોતાની નાગરિકતા બ્રિટિશ જાહેર કરવામાં આવી છે.