રાજસ્થાનના જોધપુરમાં કોંગ્રેસ પર વરસ્યા ગૃહમંત્રી…
સીએએ અંગે એક ઈંચ પણ પાછા નહીં હટીએ, કોટામાં બાળકોની ચિંતા કરો ગહેલોતજી…
જોધપુર : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નાગરિકતા સંશોધન કાયદાના સમર્થનમાં રાજસ્થાનના જોધપુરમાં એક જંગી રેલી યોજી હતી. જેમાં ગૃહમંત્રીએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સહિત વિપક્ષના નેતાઓ પર આકરા પ્રહાર કર્યા હતા. અમિત શાહે કહ્યું હતું કે, જેટલી પર ગેરસમજ ફેલાવવી હોય તે ફેલાવી લો પણ ભાજપ આ મામલે એક ઈંચ પણ પીછેહટ કરશે જ નહીં.
ગૃહમંત્રી અમિત શાહે સીએએને લઈને કહ્યું હતું કે, કોંગ્રેસ, મમતા દીદી, એસપી, બીએસપી, કેજરીવાલ એન્ડ કંપની આ કાયદાનો વિરોધ કરી રહી છે. હું એ તમામને પડકાર ફેંકુ છું કે તે તેઓ સાબીત કરે કે આ કાયદાથી કોઈ પણ અલ્પસંખ્યકનું નુકસાન થશે. અમિત શાહે કહ્યું હતું કે, જો રાહુલ બાબાએ ખરેખર જો કાયદો વાચ્યો હોય તો મારી સામે આવી જાય અને ચર્ચા કરે. શાહે જોરદાર ટોણોં મારતા કહ્યું હતું કે. જો રાહુલ બાબબાને કાયદો સમજમાં ના આવતો હોય તો ઈટલીયન ભાષામાં તેનું ટ્રાન્સલેટ કરીને મોકલવા તૈયાર છું.
તેમણે કહ્યું હતું કે, પાકિસ્તાન-બાંગ્લાદેશ-અફઘાનિસ્તાનમાંથી જે હિંદુ, જૈન, બૌદ્ધ, સિખ, ઈસાઈ અને પારસી અલ્પસંખ્યક આવ્યા તેમની કોઈની ચિંતા નથી કરી પરંતુ મોદી સરકારે પોતાનો વાયદો પુરો કર્યો છે. અમિત શાહે એમ પણ કહ્યું હતું કે, આ અલ્પસંખ્યકોને ભારતમાં નાગરિકતા આપવાનો મહાત્મા ગાંધી, જવાહરલાલ નેહરૂ, રાજેંન્દ્ર પ્રસાદ, સરદાર પટેલ સહિતના તમામ નેતાઓએ વાયદો કર્યો હતો તો શું તેઓ પણ સાંપ્રદાયિક હતાં? કોંગ્રેસે માત્ર ને માત્ર વોટબેંકના કારણે જોઈ જ નિર્ણય ના લીધો પરંતુ નરેન્દ્ર મોદી ૫૬ ઈંચની છાતી ધરાવતા નેતા છે, તેઓ કોઈનાથી પણ ડરતા નથી.
અમિત શાહે ચાબખા મારવાનું યથાવત રાખતા કહ્યું હતું કે, સમગ્ર વિપક્ષ એક થઈ જશે તો પણ બીજેપી સીએએ મામલે એક ઈંચ પણ પાછી નહીં ખસે. જેટલો ભ્રમ ફેલાવો હોય એ ફેલાવી દો પરંતુ અમે કાયદામાં પીછેહટ નહીં જ કરીએ. જનસભામાં અમિત શાહે લોકોને એક નંબર આપ્યો હતો અને કહ્યું છે કે, તમે આ નંબર પર મિસકોલ કરીને સીએએમાં સમર્થન નોંધાવી શકો છો. ૮૮૬૬૨૮૮૬૬૨નંબર પર અમિત શાહે મિસકોલ મારવાનું લોકોને આહ્વાન કર્યું હતું.