લંડન,
વર્લ્ડ કપમાં શનિવારે ભારતીય ટીમ શ્રીલંકા સામે રમીને ગ્રૂપ સ્ટેજમાં સામેલ થઈ જશે. માનવામાં આવે છે કે, વર્લ્ડ કપમાં ભારતની છેલ્લી મેચ ધોનીના આંતરરાષ્ટ્રીય કરિયરની પણ છેલ્લી મેચ હશે. ત્યારપછી તેઓ સંન્યાસની જાહેરાત કરશે. જોકે મીડિયા રિપોટ્ર્સમાં જણાવ્યા પ્રમાણે ધોની વર્લ્ડ કપ પછી આગળ પણ રમવાનું ચાલુ રાખી શકે છે.
એક ન્યૂઝ ચેનલે દાવો કર્યો છે કે, ધોનીએ તેના રિટાયરમેન્ટ વિશે પહેલીવાર પ્રતિક્રિયા આપી હતી. તેમાં તેણે કહ્યું હતું કે, મને પોતાને નથી ખબર કે હું ક્યારે સંન્યાસ લેવાનો છું. પરંતુ અમુક લોકો મને શ્રીલંકા સામેની મેચ પછી નિવૃત્તિ અપાવવા માંગે છે.
રિપોટ્ર્સ પ્રમાણે, ધોનીના આ નિવેદનને ટીમ મેનેજમેન્ટ સાથે કોઈ લેવા-દેવા નથી. તેઓ માત્ર મીડિયાને ટાર્ગટ કરી રહ્યા હતા કે જેઓ સતત તેમના ભવિષ્ય વિશે ટીપ્પણીઓ કરી રહ્યા છે.
હકીકતમાં ન્યૂઝ એજન્સીના રિપોર્ટમાં બીસીસીઆઈના એક અધિકારીએ નામ ન જણાવવાની શરતે કહ્યું હતું કે, વિશ્વ કપમાં ટીમ ઈન્ડિયાની ટી-શર્ટમાં ધોનીની છેલ્લી મેચ હોઈ શકે છે. ભારતીય ટીમ પહેલાં જ સેમી ફાઈનલ માટે ક્વોલિફાઈ થઈ ચૂકી છે. તેથી હવે ધોની શ્રીલંકા પછી ઓછામાં ઓછી એક મેચ રમી શકે છે. જો વિરાટ કોહલીની કેપ્ટનશીપમાં ટીમ સેમીફાઈનલ અને ત્યારપછી ફાઈનલ મેચ જીતશે તો ધોની માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી યાદગાર વિદાય હશે.