કેજરીવાલે રૂપાણી સરકાર પર કટાક્ષ કર્યો…
ન્યુ દિલ્હી : ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ૧૯૧ કરોડ રૂપિયાનું વિમાન ખરીદતા દેશભરમાં આ અંગે ચર્ચા શરૂ થઇ ગઇ છે. તેમાં પણ ખાસ કરીને વિપક્ષી દળે આ મામલે રૂપાણી પર નિશાનો સાઘ્યો છે. એવામાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરવાલે તેમની પર કટાક્ષ કર્યો છે. અરવિંદ કેજરીવાલે રૂપાણી સરકાર પર કટાક્ષ કરતા કહ્યું કે ૧૯૧ કરોડ રૂપિયાનું વિમાન ખરીદવા કરતા શ્રેષ્ઠ તે રહેતું કે તમે મહિલાઓને સરકારી બસોમાં મફત યાત્રા કરાવતા.
કેજરીવાલે કહ્યું કે જ્યારથી અમે ફ્રી બસ યાત્રા યોજનાની શરૂઆત કરી છે વિપક્ષી પાર્ટીઓને તેનાથી વાંધો પડી રહ્યો છે. લોકો પુછવા લાગ્યા છે કે આ માટે પૈસા ક્યાંથી આવ્યા. એક મુખ્યમંત્રી પોતાના માટે ૧૯૧ કરોડનું વિમાન ખરીદે છે. હું વિમાન નથી ખરીદતો હું તો મારી બહેનો માટે મફત બસ યાત્રા શરૂ કરવાને વધુ યોગ્ય માનું છું.
રિઠાલા વિધાનસભા ક્ષેત્રમાં રોડ નિર્માણના ઉદ્ધાટન કાર્યક્રમમાં પહોંચેલા કેજરીવાલે વધુમાં કહ્યું કે વિપક્ષી પાર્ટીઓ અમારી યોજનાથી ખુશ નથી. અમે લોકો સુધી ૨૦૦ યુનિટ સુધી વિજળી મફત આપી છે. વિપક્ષી નેતાઓ તેનો વિરોધ કરી રહ્યા છે. તે પર દિલ્હીના મુખ્યમંત્રીએ કહ્યું કે સાંસદોને ૪૦૦૦ યુનિટ મફત વિજળી મળે તો ચાલે પણ એક ડ્રાઇવરને મફતમાં વિજળી મળે તો તેમને વાંધો છે.