૮ હજાર જગ્યાઓ માટેના નિમણૂંકપત્રો તાત્કાલિક આપવાના સરકારનો આદેશ…
સરકારે યુવા રોજગારલક્ષીને લઇ મહત્ત્વપૂર્ણ નિર્ણય કર્યો, સરકારનો કોરોનાથી અટકેલી ભરતી પ્રક્રિયા પુનઃ શરૂ કરવા આદેશ
જીપીએસસી-ગૌણ સેવા પસંદગી મંડળ-પંચાયત સેવા પસંદગી મંડળ-પોલીસ-સામાન્ય વહિવટ વિભાગ-શિક્ષણ વિભાગની ઉચ્ચસ્તરીય બેઠકમાં ભરતી પ્રક્રિયા અંગેના મહત્વપૂર્ણ આદેશો અપાયા
ગાંધીનગર : મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતમાં યુવાનોની રોજગારીને લઇને મોટી જાહેરાત કરી છે. સીએમ રૂપાણીએ ભરતી પ્રક્રિયા પૂર્ણ થઇ છે તેમનાં નિમણૂંક પત્રો આપવાની જાહેરાત કરી છે. સરકારે ૮ હજારથી વધુ નિમણૂંકપત્રો આપવાનો આદેશ કર્યો છે. આગામી ૫ મહિનામાં ૨૦,૦૦૦ ભરતી કરવાનો નિર્ણય કર્યો છે.
મળતી માહિતી મુજબ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જીપીએસસી-ગૌણ સેવા પસંદગી મંડળ-પંચાયત સેવા પસંદગી મંડળ-પોલીસ-સામાન્ય વહિવટ વિભાગ-શિક્ષણ વિભાગની ઉચ્ચસ્તરીય બેઠકમાં ભરતી પ્રક્રિયા અંગેના મહત્વપૂર્ણ આદેશો આપ્યાં છે.
યુવાનોને વ્યાપકપણે સરકારી નોકરીની તક મળે તે માટે મુખ્યમંત્રી રૂપાણીએ યુવા રોજગારલક્ષીને લઇ મહત્વનો નિર્ણય કર્યો છે. જેમાં તેઓએ રાજ્યમાં સરકારી નોકરીમાં ભરતી માટેની પ્રક્રિયાઓ પૂર્ણ થઇ ગઇ છે તેવી તમામ જગ્યાઓ સહિત ૮ હજાર જગ્યાઓ માટેનાં નિમણૂંકપત્રો તાત્કાલિક ધોરણે આપવા અંગેનો આદેશ કર્યો છે.
એટલે કે આગામી સમયમાં રાજ્યમાં ભરતી અને નિમણૂંક પ્રક્રિયા શરૂ થશે. સરકારી વિભાગોમાં રોજગારીની નવી તકો ઉભી થશે. રાજ્યનાં વિવિધ વિભાગોમાં છેલ્લાં ૪ વર્ષોમાં સવા લાખ ભરતી કરાઈ છે. ત્યારે હવે અટકેલી સરકારી નોકરીઓની ભરતી તાત્કાલિક ધોરણે કરાશે.
આગામી ૫ મહીનામાં રાજ્યનાં ૨૦ હજારથી વધુ યુવાઓને સરકારી નોકરીની ઉત્તમ તક મળશે. તાજેતરમાં જ એક અહેવાલ મુજબ કેન્દ્ર સરકારમાં પણ ભરતી પ્રક્રિયા હાલમાં મોકૂફ હાલતમાં છે. એવામાં રાજ્યમાં આગામી ૫ મહિનામાં ૨૦,૦૦૦ યુવાનો માટે સરકારી નોકરીની નવી તકો ખુલતા ગુજરાતના અનેક યુવાનોમાં એક આશાનું કિરણ જાગ્યું છે.
ઉલ્લેખનીય છે કે ભરતી પ્રક્રિયા મુદ્દે મુખ્યમંત્રી રૂપાણીએ પરીક્ષાના પરિણામોની યાદી મંગાવી હતી. સરકારી ભરતી પ્રક્રિયાને વધુ ઝડપી બનાવવા માટે રૂપાણી સરકારે કવાયત હાથ ધરી હતી. એ માટે જીપીએસસીની ૧૦૩ પેન્ડિંગ ભરતીના પરિણામોની યાદી મેળવવામાં આવી હતી. આ મામલે ગઇ કાલે જીએસએસએસબીનાં અધ્યક્ષ અસિત વોરા સાથે મુખ્યમંત્રી રૂપાણીની અધ્યક્ષતામાં એક બેઠક પણ યોજાઇ હતી.