ન્યુ દિલ્હી : રેલવે દ્વારા નજીકના ભવિષ્યમાં ટ્રેનની મુસાફરી દરમિયાન લોકોને મફત વાઈફાઈની સુવિધા આપવામાં આવશે.
રેલવે દ્વારા આ યોજના પર કામ શરૂ કરાયુ છે. રેલવે મંત્રી પિયુષ ગોયેલે એક સમાચાર એજન્સી સાથેની વાતચીતમાં કહ્યુ હતું કે, હાલમાં દેશના ૫૧૫૦ રેલવે સ્ટેશનો પર વીના મુલ્યે વાઈ ફાઈની સુવિધા ઉપલબ્ધ છે. આ વર્ષના અંત સુધીમાં દેશના તમામ ૬૫૦૦ રેલવે સ્ટેશન વાઈ ફાઈની સુવિધાથી સજ્જ હશે.
તેમણે કહ્યુ હતુ કે, હાલમાં રેલવે દ્વારા ટ્રેનમાં મુસાફરી દરમિયાન પણ લોકોને વાઈ ફાઈની સુવિધા વિના મુલ્યે આપવા માટે કામ થઈ રહ્યુ છે. આ માટે જોકે રેલવેને મોટુ રોકાણ કરવુ પડશે. રેલવે ટ્રેકની નજીક ટાવરો લગાવવા પડશે તેમજ ટ્રેનોમાં પણ રાઉટર જેવા મશિન લગાવવા પડશે. આ ટેકનિક માટે રેલવેને વિદેશી સહાયની જરૂર પડશે. આગામી ચાર પાંચ વર્ષમાં ટ્રેનની અંદર વાઈ ફાઈ સુવિધા મળતી થઈ જશે.
ગોયલે કહ્યુ હતુ કે,તેનાથી સુરક્ષા વ્યવસ્થા મજબૂત બનશે.કારણકે દરેક કોચમાં લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ નજીકના પોલીસ સ્ટેશનમાં જોવા મળશે. ટ્રેનોના સિગ્નલ સિસ્ટમને પણ વાઈ ફાઈથી કનેક્ટ કરવામાં આવશે.
તેમણે કહ્યુ હતુ કે, દેશમાં બની રહેલા નવા ૧૨ થી ૧૫ રેલવે સ્ટેશન માટે ખાનગી કંપનીઓની મદદ લેવાઈ રહી છે. નવા રેલવે સ્ટેશનો પર દુકાનો અને મોલ હશે. જેનાથી રેલવેની આવકમાં વધારો થશે.