લૉકડાઉનમાં થયેલી મુશ્કેલીઓ બદલ હું દેશવાસીઓની માફી માંગુ છું…
કોરોના સામે જીવન-મરણની લડાઇ છે, સાવચેત રહો,લોકડાઉનના લીધે સોશિયલ ડિસ્ટન્સિંગ વધારો, ઇમોશનલ ડિસ્ટન્સિંગ ઘટાડો, કેટલાક લોકો કોરોનાની ગંભીરતા સમજી રહ્યાં નથી, પરંતુ દેશવાસીઓ ગફલતમાં ન રહેતા, ઘણા દેશ બરબાદ થઈ ગયા…
ન્યુ દિલ્હી : દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના રોગચાળા સામેની લડાઇમાં આખા દેશમાં મૂકેલા ૨૧ દિવસના લોકડાઉનનો જે રીતે ભંગ થઇ રહ્યો છે ખાસ કરીને ગઇકાલે શનિવારે દિલ્હીમાં યુપી-બિહારના લોકો વતન જવા આનંદવિહાર બસમથકે હજારોની સંખ્યામાં ભેગા થયા તે પ્રત્યે નારાજગી વ્યક્ત કરીને લોકોને ફરી એકવાર ચેતવણી આપી હતી કે જીવ બચાવવો હોય તો લોકડાઉનમાં ઘરમાં જ રહો. જ્યાં છો ત્યાં જ રહો. કોરોના સામે આ જીવન-મરણની લડાઇ છે અને આપણે તેમાં વિજય પ્રાપ્ત કરવું હોવાથી સૌ કોઇ લોકડાઉનનો કડક અમલ કરે અને કરાવે, કેમ કે લોકડાઉનનો ભંગ એ જીવલેણ અને ભયાનક રોગ કોરોનાને આમંત્રણ આપવા સમાન છે. કેટલાક લોકો કોરોનાની ગંભીરતા સમજી રહ્યાં નથી એમ કહીને તેમણે ચેતવ્યાં કે, હું કહું છું કે ગફલતમાં ન રહેતા,કેમ કે કોરોનામાં ઘણા દેશ બરબાદ થઈ ગયા છેઃ તેમણે લોકડાઉનમાં લોકોને પડેલી પરેશાનીઓ બદલ ક્ષમા માંગી હતી અને એવો સંદેશશો પણ આપ્યો કે, લોકડાઉનના લીધે સોશિયલ ડિસ્ટન્સિંગ વધારો, અને ઇમોશનલ ડિસ્ટન્સિંગમાં ઘટાડો કરવો જોઇએ. એટલે કે અત્યારે લાગણીશીલ થવાને બદલે દેશ પર આવી પડેલી આફતમાં સહકાર આપવાની જરૂર છે.
વડાપ્રધાન મોદીએ તેમના રાબેતા મુજબના રેડિયો પરના કાર્યક્રમ મન કી બાતમાં આજે સવારે ૧૧ વાગે દેશને સંબોધન કર્યું હતું. મન કી બાત કાર્યક્રમનો આ ૬૩મી એડીશન છે. જેમાં મોદીએ કહ્યું કે, સામાન્ય રીતે મન કી બાતમાં હું ઘણા વિષયોને લઈને આવું છું. પરંતુ આજે વિશ્વભરમાં કોરોનાના સંકટની ચર્ચા છે. એવામાં બીજી વાત કરવી તે યોગ્ય નથી. સરકારને લોકહિતમાં કેટલાક એવા નિર્ણયો લેવા પડ્યા, જેનાથી ગરીબોને મુશ્કેલી થઈ છે, એ તમામની હું માંફી માંગુ છું. હું તમારા બધાની પરિસ્થિતિ સમજુ છું, પરંતુ કોરોનાની વિરુદ્ધની લડાઈ માટે આ સિવાય કોઈ રસ્તો નથી. કોઈને આમ કરવાનું મન થતું નથી, પરંતુ મારે તમારા પરિવારને સુરક્ષિત રાખવાનો છે. આ કારણે બીજી વખત માંફી માંગુ છું.
વડાપ્રધાને કહ્યું કે આપણે ત્યાં કહેવાય છે કે બીમારી પહેલા તેના ઉપાય કરવા જોઇએ. કોરોના વાઇરસ માણસને ખતમ કરવાની જીદ્દ પર છે. તેથી સૌ કોઇને એકજૂટ થઇને લોકડાઉનનું પાલન કરવાનો સંકલ્પ લેવો પડશે. લોકડાઉનમાં ધૈર્ય દેખાડવાનું છે. અમુક લોકો કોરોનાની ગંભીરતાને સમજી રહ્યા નથી. પરંતુ હું કહેવા માંગીશ કે એ ગફલતમાં ન રહેતા કે દેશ બરબાદ નહીં થઇ જાય. કોરોનાની લડાઇમાં ઘણા એવા યોદ્ધા છે જે અમૂલ્ય યોગદાન આપી રહ્યા છે.
કોરોના સામે લડનારાઓને ફાઇટર્સ ગણાવીને તેઓ તેમના અનુભવોની વાતો બીજાને શેર કરે એમ કહીને તેમણે કહ્યું કે, કોરોના ફાઇટર્સ સાથે વાત કરીને મને પણ પ્રેરણા મળી છે. કોરોનાથી સ્વસ્થ થયેલા રામ કુમાર નામની વ્યક્તિએ જણાવ્યું કે હું આઇટી કંપનીમાં કામ કરું છું. છેલ્લા અમુક દિવસોમાં દુબઈ ગયો હતો , ત્યાંથી પરત ગયો તો સંક્રમણની માહિતી મળી. હોસ્પિટલમાં અમુક દિવસો સુધી મને ઘણું વિચિત્ર લાગ્યું. ડોક્ટર્સ અને નર્સે મને સ્વસ્થ થવાનો ભરોસો આપ્યો. પરિવારને જ્યારે માહિતી મળી ત્યારે હું ક્વોરેન્ટાઇનમાં હતો. હવે દિવસભર અલગ રૂમમાં રહું છું. મોદીએ રામને કહ્યું કે તમે તમારા અનુભવનો ઓડિયો બનાવીને ઇન્ટરનેટ પર મૂકો જેથી લોકો પ્રેરણા લઇ શકે.
આગ્રાના ૭૩ વર્ષના વડીલ અશોકજીએ પોતાની વાત રજૂ કરતાં કહ્યું કે, મારા બે દીકરા કામથી ઈટલી ગયા હતા. જ્યારે તેઓ પરત આવ્યા તો અમુક પરેશાની થઇ। તેઓ દિલ્હીની આરએમએલ હોસ્પિટલ ગયા, ત્યાં ટેસ્ટ પોઝિટિવ આવ્યા. ત્યારબાદ આગ્રાના અન્ય ૬ લોકો સફદરજંગ હોસ્પિટલમાં પોઝિટિવ મળ્યા હતા. અમને એમ્બ્યુલન્સ દ્વારા આગ્રાથી દિલ્હી લઇ જવામાં આવ્યા. હોસ્પિટલમાં મને અને પરિવારને કોઇ સમસ્યા થઇ નહીં. ડોક્ટર્સ અને નર્સનો વ્યવહાર ખૂબ સારો છે. હોસ્પિટલ સ્ટાફના આભારી છીએ. ખુશી છે કે મારી તમારી સાથે વાત થઇ. મોદીએ તેમને કહ્યું કે, તમે આગ્રામાં લોકોને નિયમોનું પાલન કરવા માટે કહો. ભૂખ્યાઓને ભોજન કરાવો. અમે તમારી હિંમત અને સમજદારીનું સન્માન કરીએ છીએ.
વડાપ્રધાને કોરોના દર્દીઓની સેવા કરનારા કેટલાક ડોક્ટરો સાથે પણ મન કી બાતમાં વાત કરી હતી. જેમાં દિલ્હીથી ડો. નિતેશે કહ્યુંકે અમે આર્મી મોડમાં લોકોની સેવામાં લાગેલા છીએ. જે જરૂરી ચીજો છે તે તમે ઉપલબ્ધ કરાવી જ રહ્યા છે. અમે દર્દીઓને સમજાવી રહ્યા છીએ કે તમે ગભરાઓ નહીં. ૧૪-૧૫ દિવસમાં સ્વસ્થ થઇ જશો. ત્યારબાદ જ્યારે રિપોર્ટ નેગેટિવ આવશે ત્યારે તમે ઘરે જઇ શકશો. અમે ટીમને પ્રોત્સાહિત કરી રહ્યા છીએ કે દર્દીઓનો સારો ઇલાજ અને પોતાની સુરક્ષા માટે સતર્ક રહે. મોદીએ તેમને કહ્યું કે, દુનિયાનો અનુભવ દર્શાવે છે કે આ બીમારીનું સંક્રમણ અચાનક વધે છે. ભારતમાં આ સ્થિતિ ન આવે તેના માટે આપણને લગાતાર પ્રયાસ કરવાના છે.
પૂણેના એક ડોક્ટરે જણાવ્યું કે અમારી હોસ્પિટલમાં ૧૬ સંક્રમિત આવ્યા હતા જેમાંથી ૭ લોકોને અમે સ્વસ્થ કરીને ડિસ્ચાર્જ કરી ચૂક્યા છીએ. બાકી ૯ નો ઇલાજ ચાલી રહ્યો છે. રોજ તેમની તપાસ અને કાઉન્સલિંગ કરી રહ્યા છીએ. ૪-૫ દિવસમાં તેઓ પણ સ્વસ્થ થઇ જશે. જો કોઇ શંકાસ્પદમ મળે તો અમે તેને હોમ ક્વોરેન્ટાઇન કરીએ છીએ. સંક્રમણથી બચવા માટે ઘરમાં પણ વારંવાર હાથ ધોતા રહો. અમે લોકોને કહી રહ્યા છીએ કે ૧૪ દિવસ માટે ઘરમાં રહો અને ક્વોરેન્ટાઇન રહો. અમને વિશ્વાસ છે કે આ લડાઇ જીતીશું. મોદીએ કહ્યું- સાથીઓ, આપણને ડોક્ટરોની સલાહ અને તેમની વાતોને જીવનમાં ઉતારવાની છે. આચાર્ય ચરકે કહ્યું છે કે ધન અને કોઇ ખાસ કામના માટે નહીં પરંતુ દર્દીની ભાવના માટે જે કોઇ કામ કરે છે તે જ સર્વશ્રેષ્ઠ ચિકિત્સક છે.
લોકોની મદદમાં લાગેલા ડોક્ટર્સ, નર્સ અને તમારા જેવા અન્ય સાથીઓની મદદથી આપણે કોરોના વિરુદ્ધ લડાઇ લડી શકીએ છીએ. અમે આ લોકો માટે ૫૦ લાખના હેલ્થ કવરની જોગવાઇ કરી છે. બેંગલુરૂના નિરંજને લખ્યું છે કે આવા લોકો ડેલી લાઇફના રિયલ હીરો છે. આજે તમારી આસપાસના કરિયાણાની દુકાન ચલાવનારા, ડ્રાઇવર્સ વિશે વિચારો જેઓ જોખમ ઉઠાવીને પણ લોકોની સેવામાં લાગ્યા છે. બેન્કિંગ કર્મચારી પણ સતત કામમાં લાગેલા છે. તમારા ઘરે ડિલીવરી પહોંચાડનાર ઇ કોમર્સના કર્મચારીઓનો પણ ધન્યવાદ કરવો જોઇએ.