ચેન્નઈ : ૨૦૨૦નું વર્ષ એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રી માટે ઘણું જ કપરું છે. લોકપ્રિય સાઉથ એક્ટ્રેસ તથા ફત્ન ચિત્રા બુધવાર (૯ ડિસેમ્બર)ની વહેલી સવારે હોટલના રૂમમાં મૃત અવસ્થામાં મળી આવી હતી. પ્રાથમિક તપાસમાં આ સુસાઈડનો કેસ હોવાનું માનવામાં આવે છે. પોલીસે આ કેસની તપાસ શરૂ કરી દીધી છે. કહેવાય છે કે ૨૮ વર્ષીય ચિત્રાએ મોડી રાત સુધી શૂટિંગ કર્યું હતું. આત્મહત્યા કરતા પહેલાં તેણે સોશિયલ મીડિયામાં પોસ્ટ પણ શૅર કરી હતી. એમ માનવામાં આવે છે કે ચિત્રા ડિપ્રેશનમાં હતી. સૂત્રોના મતે, ચિત્રા ઈવીપી ફિલ્મ સિટીમાં શૂટિંગ પૂર્ણ કરીને ફાઈવ સ્ટાર હોટલના રૂમમાં અઢી વાગે પરત આવી હતી.
તે અહીંયા મંગેતર હેમંત સાથે રહેતી હતી. હોટલ મેનેજરે ૩.૩૦ વાગે ૧૦૦ નંબર પર ફોન કરીને ચિત્રાના મોત અંગેની માહિતી આપી હતી. પોલીસ હાલમાં મોતના કારણનું તપાસ કરી રહી છે. હેમંતે પોલીસને આપેલા નિવેદન પ્રમાણે, તેણે દાવો કર્યો હતો કે ચિત્રા શૂટિંગ પૂર્ણ કરીને હોટલમાં આવી હતી. ચિત્રાએ તેને કહ્યું હતું કે નાહીને રૂમમાં આવે છે. જોકે, તે લાંબા સમય સુધી રૂમમાં ના આવતા હેમંતે હોટલના સ્ટાફને બોલાવ્યા હતા. હોટલના રૂમનો દરવાજો ડુપ્લિકેટ ચાવીથી ખોલવામાં આવ્યો હતો. રૂમની અંદર પંખા સાથે લટકતી હાલતમાં મળી આવી હતી. ચિત્રાએ સાડીથી ગળેફાંસો ખાધો હતો.
ચિત્રાના ચહેરા તથા ગળા પર લોહીના નિશાન મળી આવ્યા છે. પોલીસે ચિત્રાની ડેડબૉડી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી છે. ચિત્રાના પરિવારના સભ્યો ચેન્નઈમાં જ રહે છે. પોલીસે પરિવારને પણ સૂચના આપી છે. ચિત્રા ચેન્નઈના કોટ્ટુપુરમમાં રહેતી હતી. ચિત્રાએ ઓગસ્ટમાં જ બિઝનેસમેન હેમંત સાથે સગાઈ કરી હતી. ચિત્રાએ તાજેતરમાં જ તમિળ ફિલ્મ સાઈન કરી હતી. આ ફિલ્મમાં તેનો મહત્ત્વનો રોલ હતો.