અમદાવાદમાં ૫૦ પોઝિટિવ સાથે કુલ આંકડો ૧૨૯૮એ પહોંચ્યો…
અમદાવાદ : છેલ્લા ૧૨ કલાક દરમિયાન રાજ્યમાં કોરોનાને લઈને નવા ૧૨૭ કેસ નોધાયા છે, જયારે અમદાવાદમાં ૫૦ કેસો નોંધાયા હતા. ત્રણ મહિલા અને બે પુરૂષ સહિત પાંચના મોત થયા છે. આ સાથે જ શહેરમાં કુલ ૧૨૯૮ દર્દી થયા છે અને મૃત્યુઆંક ૪૩એ પહોંચ્યો છે. આ સાથે જ ગુજરાતમાં હવે ૨૦૬૬ કેસ નોંધાયા હતા. જયારે અમદાવાદમાં ૧૨૯૮ કેસ નોંધ્યા છે. સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ કેસો સાથે અમદાવાદ મોખરે છે. ત્યારે અમદાવાદ મ્યુ. કમિશનર વિજય નહેરાએ પોતાના બુલેટિનમાં મોટું નિવેદન આપ્યું હતું. આજરોજ શહેરમાં કેટલાક નવા વિસ્તારોમાં કોરોના પોઝિટિવના દર્દીઓ જોવા મળ્યાં છે. આજે જે પોઝિટિવ કેસ સામે આવ્યાં છે તે જમાલપુર, જુહાપુરા, મણીનગર, શાહીબાગ, વસ્ત્રાલ, ઘાટલોડિયા, ચાંદખેડા, બહેરામપુરા, હાથીજણ, નારણપુરા, મેમનગર વિસ્તારમાંથી આવ્યાં છે.
અમદાવાદ મ્યુ. કમિશનર વિજય નહેરાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં હાલ જે રીતે કોરોના વાયરસના દર્દીઓ નોંધાઈ રહ્યા છે તે ચિંતાનો વિષય છે, તેમ છતાં મે મહિનામાં કોરોના પર કાબૂ મેળવી શકાશે. શહેરના આજે મધ્ય ઝોનમાં ૧૮ કેસ, દક્ષિણ ઝોનમાં ૧૫ કેસ નોંધાયા છે, જ્યારે દક્ષિણ – પશ્ચિમ ઝોનમાં ૨ કેસ નોંધાયા છે. આ સિવાય ગુજરાતમાં કોરોના દર્દીઓમાં પ્લાઝમાં ટ્રાન્સમિશન માટે મંજૂરી માંગવામાં આવી હતી. તેને મંજૂરી મળી ગઈ છે અને કોરોનાના પ્રથમ દર્દીને પ્લાઝમા ટ્રાન્સમિશન અપાયું છે હવે તેનું પરિણામ શું આવે છે તે આવનાર સમય બતાવશે. તેમણે ઉમેર્યું હતું કે, દેશનું પ્રથમ સ્ટડી સેન્ટર SVPમાં ટ્રાન્સમિશન કરવામાં આવ્યું છે. પ્લાઝમા ટ્રાન્સમિશન થયેલા દર્દીની હાલત હાલ સ્ટેબલ છે. અમે ICMR સાથે ચર્ચા કરી ઔપચારિક્તા પૂર્ણ કરી છે.
રાજ્યમાં સૌપ્રથમવાર કોરોનાના દર્દીની સિઝેરિયન દ્વારા ડિલવરી કરવામાં આવી છે. જ્યારે દેશમાં આ સાતમો કિસ્સો છે. દેશનું પ્રથમ પ્લાઝમા સ્ટડી સેન્ટર SVPમાં શરૂ કરવામાં આવ્યું છે. ગઈકાલથી આજ સુધીમાં ૧૬ લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે અને હવે ૫૧ દર્દી સાજા થયા છે. આજે વધુ એક દર્દીમાં પ્લાઝમાં ટ્રાન્સમિશન કરવામાં આવશે. તેમજ કોરોનાના દર્દી માટે SVPની ક્ષમતા ૫૦૦થી વધારી ૧૦૦૦ કરી છે. SVPમાં ૫૦૦ બેડની વ્યવસ્થા કરાઈ છે. કોઈને ચિંતા કરવાની જરૂર નથી. SVPમાં ટેસ્ટિંગની ક્ષમતા ૧૦૦૦ કરવામાં આવી છે. જેથી વધુમાં વધુ કોરોના પોઝિટીવ દર્દીઓને SVPમાં ખસેડાશે.