વધુ ૪૬૩ બેડની સુવિધા ઉભી કરાશે, વડોદરાના ગ્રામ્ય વિસ્તારોમાં ૪ કોવિડ કેર સેન્ટરમાં ૩ નવા ઉમેરી ૭ કરાશે, પથારીની સંખ્યા ૧૨૦થી વધારીને ૩૯૦ કરાશે…
વડોદરા : વડોદરા જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલે તાલુકા આરોગ્ય અધિકારીઓ અને આરોગ્ય કેન્દ્રોના તબીબી અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સથી સંવાદ કર્યો હતો. તેમણે ખાસ કરીને વડોદરા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં કોવિડની સારવાર મળી રહે અને દર્દીઓને વડોદરા સુધી લાવવા ના પડે તે માટે માન્ય કોવિડ હોસ્પિટલો અને તેમાં ઉપલબ્ધ પથારીઓની સંખ્યામાં અને કોવિડ કેર સેન્ટરો તેમજ તેમાં ઉપલબ્ધ પથારીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો કરવાનું વિગતવાર માર્ગદર્શન આપ્યું હતું. તેમણે કોવિડ સારવાર સુવિધા અને ક્ષમતા વધારવાના આ આયોજનને સપ્ટેમ્બર મહિનાના અંત સુધીમાં સાકાર કરી દેવા ખાસ સૂચના આપી હતી. વડોદરા જિલ્લા પંચાયતની આરોગ્ય શાખાએ આપેલી જાણકારી અનુસાર હાલમાં જિલ્લામાં વડોદરા, ડભોઇ, પાદરા અને સાવલી તાલુકામાં પ્રત્યેકમાં એક પ્રમાણે ૪ હયાત કોવિડ કેર સેન્ટર છે, જેની બેડ કેપેસિટી ૧૨૦ છે.
વડોદરા જિલ્લા કલેક્ટરની સૂચના પ્રમાણે હવે કરજણમાં એક, શિનોરમાં ૧ અને સાવલીમાં વધુ ૧ મળીને કુલ ૩ નવા કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવતાં સંખ્યા વધીને ૭ થશે. વડોદરા જિલ્લામાં હાલમાં કોવિડ કેર સેન્ટરમાં વડોદરા તાલુકામાં ૬૦, ડભોઇમાં ૨૦, પાદરામાં ૧૫ અને સાવલીમાં ૨૫ મળીને કુલ ૧૨૦ પથારીની સંખ્યા છે. નવા આયોજન હેઠળ વડોદરા તાલુકામાં હયાત સેન્ટરમાં ૪૦, કરજણના નવા સેન્ટરમાં ૩૦, ડભોઇના હયાત સેન્ટરમાં ૮૦, પાદરાના હયાત સેન્ટરમાં ૧૫, શિનોરમાં નવા સેન્ટરમાં ૩૦ અને સાવલીના નવા સેન્ટરમાં ૭૫ મળીને બેડ કેપેસિટીમાં ૨૭૦નો વધારો કરવામાં આવશે. આમ ગ્રામ્ય વિસ્તારના ૭ કોવિડ કેર સેન્ટરમાં ૩૯૦(૧૨૦+૨૭૦) પથારીઓ ઉપલબ્ધ થતાં ગ્રામ્ય વિસ્તારમાં કોવિડ કેરની સુવિધાઓ વધશે. વડોદરા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં હાલમાં કોવિડની સારવાર માટે વડોદરા તાલુકામાં ૨, કરજણમાં ૨, ડભોઇમાં ૧ અને પાદરામાં ૩ મળીને કુલ ૮ માન્ય હોસ્પિટલો છે.
વડોદરા તાલુકામાં ૪૨, કરજણમાં ૬૮, ડભોઇમાં ૨૦, પાદરામાં ૭૦ પથારી મળીને આ માન્ય હોસ્પિટલોમાં બેડ કેપેસીટી ૨૦૦ની છે અને વિસ્તરણ આયોજન હેઠળ વડોદરા તાલુકામાં ૨, કરજણમાં ૧, ડભોઇમાં ૧, પાદરામાં ૧ અને શિનોરમાં ૨ મળી કુલ ૭ નવી હોસ્પિટલોને સારવાર માટે માન્યતા મળતા હવે માન્ય હોસ્પિટલોની સંખ્યા વધીને કુલ ૧૫( ૮+૭) થશે. માન્ય હોસ્પિટલોની બેડ કેપેસિટીમાં વડોદરા તાલુકામાં ૬૦, કરજણમાં ૨૬, ડભોઇમાં ૨૨, પાદરામાં ૫૫ અને શિનોરમાં ૩૦ મળીને ૧૯૩ નો વધારો થતાં કુલ ૩૯૩(૨૦૦+૧૯૩) બેડ સારવાર માટે ઉપલબ્ધ બનશે. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.ઉદય ટીલાવતે જણાવ્યું છે કે, આ મહિનાના અંત સુધીમાં કલેક્ટરની સૂચના પ્રમાણે કોવિડ કેર અને સારવાર સુવિધાના વિસ્તરણની આ કામગીરી પૂરી કરી દેવામાં આવશે.