વડોદરા : કોરોના વાયરસે હવે રાજ્યમાં પોતાનો પ્રભાવ પાડવાનું શરૂ કરી દીધો છે. ગુજરાતમાં ગઈકાલ સાંજથી અત્યાર સુધીમાં બીજા નવા કોરોનાના વધુ ૫૪ કેસ નોંધાયા છે. જેમાં તેની સાથે જ હવે ગુજરાતમાં કુલ આંકડો ૪૩૨ પર પહોંચી ગયો છે. અમદાવાદમાં આજે બીજા ૩૧ કેસ સામે આવ્યા છે. અમદાવાદ બાદ હવે વડોદરામાં કોરોનાનો કહેર જોવા મળ્યા છે. આજે વડોદરામાં વધુ ૧૮ કેસ પોઝિટીવ આવતા હાહાકાર મચી જવા પામ્યો છે.
આ સાથે જ કોરોના વાયરસના ૭૭ કેસ નોંધાઈ ચૂક્યા છે. વડોદરાનો નાગરવાડા વિસ્તાર શહેર માટે ભયાનક બની રહ્યો છે. ૭૭ કેસમાંથી એકલા ૬૫ કેસ નાગરવાડા વિસ્તારના છે. જેના કારણે નાગરવાડા વિસ્તારને તંત્રએ રેડઝોન જાહેર કરીને પોતાની કામગીરી શરૂ કરી દીધી છે. વડોદરામાંથી દરરોજ ૨૦૦ સેમ્પલ લઈને લોકોની તપાસ કરવામાં આવી રહી છે, જેમાં કૂદકેને ભૂસકે વાયરસની અસર જોવા મળી રહી છે. વડોદરામાં કોરોના વાયરસનો કુલ આંક ૭૭ પહોંચતા લોકોમાં ડરનો માહોલ બનેલો છે.
વડોદરાના પાણીગેટ બહાર આવેલા મંદિર નજીક લોકોની અવર જવર માટે રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે, જેના કારણે લોકો અને પોલીસ વચ્ચે ઘર્ષણના સમાચાર સામે આવ્યા હતા. જેના કારણે સ્થિતિ વણસી હતી. પોલીસે આ ઘટનામાં ૧૧ લોકોની ધરપકડ કરી હતી. જેમાં ૨ મહિલાઓનો સમાવેશ થાય છે. હાલમાં પોલીસે બંદોબસ્ત જાળવી રાખ્યો છે અને અન્ય શખ્સોની શોધખોળ હાથ ધરવામાં આવી છે.