બીલ, સેવાસી, ઉંડેરા, કરોડીયા, વેમાલી અને ભાયલી ગામનો પાલિકામાં સમાવેશ કરાયો છે…
નવલખી ગ્રાઉન્ડથી કલેક્ટર કચેરી સુધી રેલી નીકળી…
ગ્રામજનોએ પાલિકાએ કરેલા ઠરાવને તત્કાલ રદ્દ કરવાની માંગણી સાથે વડોદરા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું…
વડોદરા : વડોદરા શહેરની આસપાસના 6 ગામોને વડોદરા મહાનગરપાલિકામાં સમાવેશ કરવાના ઠરાવના વિરોધમાં 6 ગામના લોકોએ વિશાળ રેલી કાઢવામાં આવી હતી. નવલખી મેદાન ખાતેથી નીકળેલી રેલીમાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા. ગ્રામજનોએ પાલિકાએ કરેલા ઠરાવને તત્કાલ રદ્દ કરવાની માંગણી સાથે વડોદરા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું.
વડોદરા મહાનગરપાલિકા દ્વારા તાજેતરમાં જ વડોદરાની આસપાસમાં આવેલા બીલ, સેવાસી, ઉંડેરા, કરોડીયા, વેમાલી અને ભાયલી ગામનો પાલિકામાં સમાવેશ કરવાનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. જેના વિરોધમાં આ ગામના લોકોએ નવલખી મેદાન ખાતેથી વિશાળ રેલી કાઢી હતી. પહેલાં વડોદરા શહેર અને થોડા સમય પહેલાં સમાવેશ કરેલા ગામોને પાણી સહિતની પ્રાથમિક સુવિધા પૂરી પાડો. ત્યારબાદ અમારા ગામોનો સમાવેશ કરો. જેવા બેનરો અને સૂત્રોચ્ચાર સાથે રેલી કાઢી હતી. નવલખીથી કલેક્ટર કચેરી ખાતે આવેલી રેલીએ માર્ગો ઉપર ભારે આકર્ષણ જમાવ્યું હતું. રેલીના કારણે ટ્રાફિક વ્યવહાર ખોરવાઇ ગયો હતો.
ગ્રામજનો દ્વારા વડોદરા જિલ્લા કલેક્ટરને આપવામાં આવેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે, પાલિકા દ્વારા અગાઉ છાણી, હરણી, કલાલી, તરસાલી, બાપોદ, સમા, બિલીયા તલાવ જેવા ગામોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ ગામોમાં હજુ પણ પાયાની સુવિધા પાલિકા પૂરી પાડી શક્યું નથી. આ ગામોમાં આવેલી પ્રાથમિક શાળાઓ વડોદરા જિલ્લા પંચાયત હસ્તક છે. ત્યારે નવા 6 ગામો બીલ, કરોડીયા, વેમાલી, ભાયલી, ઉંડેરા, સેવાસીનો સમાવેશ કરવાથી આ ગામોનો વિકાસ રૂંધાઇ જશે. હાલ અમારી ગ્રામ પંચાયતો દ્વારા તમામ પ્રકારની પ્રાથમિક સુવિધા સાથે ગામનો વિકાસ કરવામાં આવી રહ્યો છે.
- Ravindra Patel, Vadodara