વડોદરા : કોરોના મહામારીના ૯ મહિના બાદ રાજ્યમાં ફરીથી રાજ્ય સરકારે ફરીથી શાળાઓ શરૂ કરી દીધી છે. કોરોનાના ખૌફ વચ્ચે પણ વિદ્યાર્થીઓ નિયમિત રીતે શાળાએ જઈ રહ્યા છે. તેવામાં વાલીઓ માટે વડોદરાથી એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. વડોદરામાં ધોરણ ૧૧ની એક વિદ્યાર્થિની કોરોના પોઝિટિવ આવતાં ચકચાર મચી જવા પામી છે. વડોદરાના સમા વિસ્તારમાં નવરચના સ્કૂલમાં ભણતી ધોરણ ૧૧ની વિદ્યાર્થિની કોરોના સંક્રમિત હોવાનુ ખુલ્યું છે. સ્કૂલની વિદ્યાર્થિનીને કોરોના આવતાં સમગ્ર શાળામાં ચિંતાનું મોજું ફેલાઈ ગયું છે.
વિદ્યાર્થિની કોરોનાગ્રસ્ત થતાં પરિવાર સહિત ક્વોરોન્ટાઇન કરવામાં આવ્યા છે. જો કે, શાળામાં કોરોનાનાં કેસ સામે આવતાં વાલીઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. અગાઉ કેશોદમાં કે.એ.વણપરીયા સંકુલની માધ્યમિક શાળામાં એક સાથે ૧૧ વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ દોડતું થયું હતું. જે બાદ રાજકોટની સ્કૂલમાં પણ કોરોનાની એન્ટ્રી થઈ હતી. અને પછી સુરત શહેરમાં ૨ શિક્ષકો અને ૩ વિદ્યાર્થી કોરોના સંક્રમિત હોવાના સમાચાર સામે આવ્યા હતા.
અને હવે વડોદરામાં પણ વિદ્યાર્થિનીને કોરોના થયો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. રાજ્ય સરકારની ગાઇડલાઇન મુજબ માધ્યમિક શાળામાં ધોરણ ૧૦ અને ૧૨ ક્લાસ શરૂ કરવામાં આવ્યાં હતા. અને તે બાદ ધોરણ ૯ અને ૧૧ના વર્ગો પણ શરૂ કરવામાં આવ્યા છે. અને હવે પ્રથમ વર્ષ કોલેજ શરૂ કરવા માટે પણ રાજ્ય સરકારે SOP જાહેર કરી દીધી છે.