સુરતમાં સાડા ત્રણ વર્ષની બાળાને કોરોના : ભાવનગરમાં વધુ બે કેસ: રાજયમાં સતત પોઝીટીવ સંખ્યા વધે છે : નવસારીમાં તબીબ, હોમગાર્ડ સહિત ત્રણને વાયરસનું સંક્રમણ: ગાંધીનગરમાં 63 વર્ષીય વૃદ્ધા: અમદાવાદમાં સગર્ભા: ડાંગમાં યુવતી પણ પોઝીટીવ…
આણંદના ખંભાતમાં 12 નવા કેસ નોંધાતા કુલ 77 પોઝીટીવ જાહેર થયા છે…
આણંદ : ગુજરાતમાં કોરોના પોઝીટીવ કેસ વધારાનો સિલસિલો ચાલુ છે અને આજે વડોદરામાં સૌથી વધુ પોઝીટીવ કેસ નોંધાયા છે. જેમાં ચાર સ્થાનિક પત્રકાર અને દિલ્હીથી રિપોર્ટીંગ કરવા આવેલા ત્રણ પત્રકારોના કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા મિડીયા જગતમાં જબરો હડકંપ મચી ગયા છે તો આણંદમાં 12 નવા પોઝીટીવ કેસ નોંધાયા છે.
અમદાવાદમાં માહિતીખાતાની કચેરીના એક અધિકારીને ગઈકાલે કોરોના પોઝીટીવ જાહેર થતા તેમના સંપર્કમાં આવેલા ચાર કર્મચારીઓનો પણ કોરોના પોઝીટીવ રીપોર્ટ આવતા સરકારના આ વિભાગમાં ભારે ભયની લાગણી ફરી વળી છે. વડોદરામાં કુલ 15 પોઝીટીવ કેસ નોંધાયો તો સુરતમાં ઓલપાડમાં એક સાડા ત્રણ વર્ષની બાળકીનો પોઝીટીવ રીપોર્ટ આવ્યો છે.
આણંદના ખંભાતમાં 12 નવા કેસ નોંધાતા કુલ 77 પોઝીટીવ જાહેર થયા છે. ભાવનગરમાં બે પોઝીટીવ કેસ જાહેર થયા છે. જે વસીપરા વિસ્તારના છે. ડાંગમાં પણ એક પોઝીટીવ કેસ નોંધાયો છે. અહીના સબીર તાલુકામાં એક યુવતી કોરાના પોઝીટીવ જાહેર થયા છે.
અમદાવાદ ગ્રામ્યમાં બે કોરોના પોઝીટીવ કેસ નોંધાયા છે. નવસારીના ચીખલી તાલુકામાં એક તબીબ, એક હોમગાર્ડ અને એક મહિલાને કોરોના પોઝીટીવ જાહેર થયા છે. ગાંધીનગર જીલ્લાના કલોલમાં 63 વર્ષના એક મહિલાને કોરોના પોઝીટીવ જાહેર થયા છે. અમદાવાદ શહેરમાં એક સગર્ભા મહિલાને કોરોના પોઝીટીવ જાહેર થતા તેના પરિવારમાં ફફડાટ વ્યાપી ગયો છે તો બીજી બાજુ નર્મદા જીલ્લામાં કોરોનાના 9 દર્દીઓના બે રીપોર્ટ નેગેટીવ આવતા તેઓને આજે હોસ્પીટલમાંથી રજા અપાઈ છે.