વડોદરા : વડોદરા શહેરના મકરપુરા રોડ પર આવેલા સુશેન સર્કલ ઉપર ડમ્પરની અડફેટે સ્કૂટી પર જતા એક આધેડ વ્યક્તિનું મોત નીપજ્યું છે. જેને પગલે સ્થાનિક લોકો રોષે ભરાયા હતા અને બે ડમ્પર અને પોલીસની કેબિન પર પથ્થરમારો કરીને તોડફોડ કરી હતી. અને પોલીસ પર પણ પથ્થરમારો કર્યો હતો અને લોકોએ રોડ ઉપર ચક્કાજામ કરી દીધો હતો. મૃતક બંસીભાઇના પત્ની પ્રવિણાબેનનું ૧૯ દિવસ પહેલા હાર્ટએટેકથી મોત થયું હતું અને દીકરીના ૪ દિવસ પહેલા જ લગ્ન થયા હતા.
વડોદરા શહેરના મકરપુરા એસટી ડેપો પાછળ આવેલા એ-૫૮ શિવશક્તિનગરમાં રહેતા બંસીભાઇ બળવંતભાઇ સુરતી(૬૫) પરિવાર સાથે રહેતા હતા. તેઓ પોતાની સ્કૂટી લઇને આજે માંજલપુર ખાતે રહેતા ભાઇના ઘરે જમવા માટે જઇ રહ્યા હતા. તે સમયે સુશેન સર્કલ ઉપર ડમ્પરની અડફેટે તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.
બંસીભાઇ સુરતીના પત્ની પ્રવિણાબેનનું હાર્ટ એટેકથી ૧૯ દિવસ પહેલા જ મોત થયું હતું, પરંતુ દીકરીના લગ્નની તૈયારીઓ થઇ ગઇ હોવાથી ૧૬ ફેબ્રુઆરીએ બારડોલી ખાતે દરજી સમાજના સમૂહ લગ્નમાં દીકરી માધવીના લગ્ન પ્રતિક નામના યુવાન સાથે થયા હતા. અને આજે ચાર દિવસ બાદ પિતાનું અકસ્માતમાં મોત નીપજ્યું હતું.