વડોદરા : વડોદરા શહેરના ગોત્રી વિસ્તારના ગદાપુરામાં આવેલી ડી.આર અમિન સ્કૂલની દીવાલ પર કેટલાક અસામાજીક તત્વોએ કાળા રંગના સ્પ્રેથી નરેન્દ્ર મોદી અને અમિત શાહ વિરૂદ્ધ લખાણ લખ્યું છે. જેમાં લખ્યુ છે કે, મોદી-શાહ ગો બેક અને અમે લોકો મોદીની પ્રધાનમંત્રી તરીકેની નિંદા કરીયે છીએ. જોકે વહેલી સવારે વિસ્તારમાં રહેતા રહીશોના ધ્યાને આ લખાણ નજરે ચઢતા ગોત્રી પોલીસને જાણ કરી હતી. જેથી પોલીસે લખાણ હટાવીને આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી.
દેશભરમાં સીએએ, એનઆરસી અને એનપીઆરનો વિરોધ પ્રદર્શન યોજાઇ રહ્યા છે, ત્યારે થોડા દિવસો પહેલો વડોદરામાં પણ તેના પડઘા પડ્યા હતા. અને ફાઇન આર્ટસ ફેકલ્ટીના ચારથી ૫ વિદ્યાર્થીઓએ પોલીસ કમિશનર કચેરી સહિત યુનિવર્સિટીની દીવાલો પર સરકાર વિરોધી અને સીએએ અને એનઆરસી કાયદાના વિરૂદ્ધ સૂત્રો લખીને તેમજ ભાજપ અને સ્વાસ્તિકના ચિન્હની ગ્રેફિટી બનાવીને વડોદરા શહેરની શાંતિ ડહોળવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ ફરી એક વખત શહેરની શાંતિ ભંગ કરવાનો કેટલાક અસામાજીક તત્વો દ્વારા પ્રયાસ કર્યો છે. આ વખતે ડી.આર અમીન સ્કૂલ પર ગ્રેફિટી બનાવનાર તત્વોએ પેટર્ન બદલી માત્ર મોદી અને શાહને ટાર્ગેટ કર્યાં હોવાનુ જોવા મળી રહ્યું છે.