કોહલી આ રેકોર્ડ બનાવનારા વનડે ઈતિહાસના છઠ્ઠા બેટ્સમેન બન્યો…
કેનબરા : ટીમ ઈન્ડિયા ભલે ઓસ્ટ્રેલિયા સામે સિરીઝ હારી ચૂકી છે પરંતુ કેપ્ટન વિરાટ કોહલી એક પછી એક નવી ઊંચાઈઓ સ્પર્શી રહ્યા છે. આજે કેનબરામાં મનુકા ઓવલમાં તેમણે ફરીથી એકવાર નવો મુકામ હાંસલ કર્યો. ૧૨ રનના વ્યક્તિગત સ્કોર પર પહોંચતા જ વનડે કરિયરમાં ૧૨ હજાર રન પૂરા કર્યા. આ સાથે જ વિરાટ કોહલીએ માસ્ટર બ્લાસ્ટર સચિન તેન્દુલકરનો ૫૦ ઓવરના વનડે ફોર્મેટમાં સૌથી ઝડપી ૧૨૦૦૦ રનનો રેકોર્ડ તોડી નાખ્યો.
વિરાટ કોહલી આ રેકોર્ડ બનાવનારા વનડે ઈતિહાસના છઠ્ઠા બેટ્સમેન બની ગયા છે. ૫૦ ઓવરની ક્રિકેટ ગેમમાં સૌથી વધુ રન માસ્ટર બ્લાસ્ટર સચિન તેન્દુલકરના નામે છે. સચિને ૪૬૩ વનડેમાં ૧૮૪૨૬ રન બનાવ્યા હતા. આ ઉપરાંત કુમાર સાંગાકારા (૧૪૨૩૪), રિકી પોન્ટિંગ (૧૩૭૦૪), સનથ જયસૂર્યા (૧૩૪૩૦), મહિલા જયવર્ધને (૧૨૬૫૦) પણ આ યાદીમાં સામેલ છે.
વિરાટ કોહલીએ ભારતીય ક્રિકેટ ટીમ તરફથી ૨૫૧ વનડે મેચ રમી છે. આ દમરિયાન તેમણે ૪૩ સદી અને ૫૯ અડધી સદી ફટકારી છે. વિરાટ કોહલી જ્યારે રિટાયર થશે ત્યારે તેમના નામે અનેક રેકોર્ડ નોંધાઈ ચૂક્યા હશે. વનડેમાં તેમના નિશાના પર સચિનનો સદીનો રેકોર્ડ છે. સચિને ૫૦ ઓવરના ફોર્મેટમાં ૪૯ સદી ફટકારી છે.