ન્યુ દિલ્હી : ઓસ્ટ્રેલિયામાં ૩ વનડે સીરિઝની પ્રથમ બે મેચ હાર્યા પછી ભારતીય કેપ્ટન વિરાટ કોહલીની બધા ટીકા કરી રહ્યા છે. આ બધા વચ્ચે દિગ્ગજ સ્પિનર હરભજન સિંહ તેના સપોર્ટમાં આગળ આવ્યો છે. ભજ્જીએ કહ્યુ- કોહલની રમત પર કપ્તાનીનું કોઈ દબાણ નથી. તે પડકારનો સામનો કરતા જાણે છે. સીરિઝની બીજી વનડેમાં ૩૯૦ રનનો પીછો કરતા કોહલીએ ૮૯ રન બનાવ્યા. જોકે, તે ટીમને જિતાડી શક્યો નહીં. ભારતે ૫૧ રને મેચની સાથે સીરિઝ પણ ગુમાવી.
તે પછી પૂર્વ ઓપનર ગૌતમ ગંભીરે કોહલીની કપ્તાનીને ખરાબ ગણાવી હતી. ભજ્જીએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યુ- “મને નથી લાગતું કે કોહલી પર કપ્તાની સહિત અન્ય કોઈ બાબતનું દબાણ છે. હું નથી માનતો કે કોહલી કપ્તાનીને દબાણ સમજે છે. તે ચેલેન્જને એન્જોય કરે છે. તે એક લીડર છે, જે ટીમને લીડ કરીને યુવા ખેલાડીઓને ઉદાહરણ આપે છે. તે ટીમને મેચ જિતાડે છે. હરભજને કહ્યુ- મને નથી લાગતું કે કોહલીની કપ્તાની કોઈપણ રીતે પ્રભાવિત થઇ રહી છે. એ વાત સાચી કે તે આ સીરિઝમાં મેચ નથી જિતાડી શક્યો.
હું વર્લ્ડ કપ પછી કહેતો આવી રહ્યો છું કે- તમારી પાસે વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા પ્લેયર્સ છે. તેઓ ઉભા હોય તો ટીમ માટે મોટો સ્કોર બનાવી શકે છે. તેણે કહ્યુ કે, “લોકેશ રાહુલને બેટિંગ કરતા જોવાની મજા આવે છે. પરંતુ તમારી પાસે એવા પ્લેયર્સ પણ હોવા જોઈએ જે સતત રન બનાવે. આ રીતે વિરાટ થોડો ફ્રી થઈને રમી શકશે અને પોતાની બેટિંગને વધુ એન્જોય કરી શકશે.”