ન્યુ દિલ્હી : કોરોના વાઈરસના વિશ્વભરમાં સાત લાખ ૮૫ હજાર ૭૭૭ કેસ નોંધાઈ ચૂક્યા છે. મૃત્યુઆંક ૩૭ હજાર ૮૧૫ થયો છે. અત્યાર સુધીમાં ૧ લાખ ૬૫ હજાર ૬૦૭ લોકોને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. અમેરિકામાં એક લાખ ૬૪ હજાર ૨૫૩ પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યાર મૃત્યુઆંક ૩૧૬૫ થયો છે. ઈટાલીમાં કોરોનાનો કહેર યથાવત છે અહીં પોઝિટિવ કેસ એક લાખ એક હજાર ૭૩૯ થઈ ગયો છે અને મૃત્યુઆંક ૧૧૫૯૧ થયો છે. નોંધનીય છે કે, ઈઝરાયલના વડાપ્રધાન નેતન્યાહૂનો તપાસ રિપોર્ટ નેગેટિવ આવ્યો છે , એક સહયોગીનો રિપોર્ટ પોઝિટિવ આવતા સેલ્ફ આઈસોલેટ થયા છે.
અમેરિકાના પનામામાં સરકારે જેન્ટરના આધારે ક્વોરન્ટીનની જાહેરાત કરી છે. આ આદેશમાં કહેવામાં આવ્યું છે કે મહિલાઓ સોમવાર, બુધવાર અને શુક્રવારે બે કલાક ઘરની બહાર નિકળી શકશે. પુરુષો મંગળવાર, ગુરુવાર અને શનિવારે ઘરની બહાર નિકળી શકશે. રવીવારે કોઈને પણ ઘરની બહાર નિકળવાની પરવાનગી આપવામાં આવી નથી.
એક રિપોર્ટ મુજબ પનામામાં ૧૦૭૫ પોઝિટિવ કેસ છે. જ્યારે અહીં ૨૭ લોકોએ જીવ ગુમાવ્યો છે. અહીં એક સપ્તાહથી લોકડાઉન છે જે આગામી ૧૫ દિવસ ચાલું રહેશે. સાથે લોકોને સોશિલ ડિસ્ટેસિંગનું પાલન કરવાનું કહેવામાં આવ્યું છે.
વોશિંગ્ટનમાં લોકોને ઘરમાં રહેવાનો આદેશ કરવામાં આવ્યો છે. તેનો ભંગ કરનારને રૂ. ૩.૭૦ લાખ (પાંચ હજાર ડોલર)નો દંડ અથવા ૯૦ દિવસની જેલ અથવા બન્ને સજા ફટકારવામાં આવશે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે કહ્યું હતું કે બીજા અન્ય દેશની સરખામણીમાં અહીં ૧૦ લાખ લોકોનો રિપોર્ટ કરવામાં આવ્યો છે. અમેરિકાના આરોગ્ય મંત્રી એલેક્સ અજારે કહ્યું કે અમે દરરોજ એક લાખ સેમ્પલની તપાસ કરી રહ્યા છીએ.
કોલંબિયા જિલ્લાના મેયર મુરિયલ બોસરે સોમવારે ટિ્વટ કર્યું કે કોરોના વાઈરસના કેસમાં વધારો થઈ રહ્યો છે. આ કારણે હું કોલંબિયા જિલ્લામાં લોકોને ઘરમાં રહેવાનો આદેશ આપું છું. લોકોને જરૂરી કામ હોસ્પિટલ જવું હોય, ભોજન માટે, જરુરી વસ્તુઓ માટે જ ઘરમાંથી બહાર નિકળવાની સલાહ આપવામાં આવી છે. વોશિંગ્ટનના આસપાસના રાજ્યો વર્જિનિયા અને મેરીલેન્ડમાં એક દિવસ પહેલાજ આ પ્રકારનો આદેશ બહાર પાડવામાં આવ્યો છે.
પાકિસ્તાનમાં કોરોના મહામારીનું સંક્રમણ સતત વધી રહ્યું છે, અહીં પોઝિટિવ કેસની સંખ્યા ૧૮૪૮ થઈ ગઈ છે. અહીં ૨૩ લોકોએ જીવ ગુમાવ્યો છે. અહીં એક દિવસમાં સાત લોકોએ જીવ ગુમાવ્યો છે. પાકિસ્તાનનો પંજાબ વિસ્તાર સૌથી વધારે અસરગ્રસ્ત છે. અહીં ૬૫૧ કેસ અને નવ મોત થયા છે. સિંધમાં ૬૨૭ પોઝિટિવ કેસ અને છ લોકોના મોત થયા છે. બલૂચિસ્તાનમાં ૧૫૪ કેસ અન એક મોત થયું છે. ઈસ્લામાબાદમાં ૫૨ કેસ નોંધાયા છે.
કોરોના વાઈરસની મહામારીથી ઈટાલીમાં ગંભીર સંકટ ઊભુ થયું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે કહ્યું હતું કે મેં ઈટાલીના પ્રધાનમંત્રી સાથે વાત કરી છે. અમારી પાસે જે વધારાનો મેડીકલ સામાન છે અને જેની આપણને જરૂર નથી તે ઈટાલી મોકલવામાં આવશે, જેની કિંમત ૧૦ કરોડ ડોલર છે. ટ્રમ્પે કહ્યું ચીન અને રશિયા પણ અમેરિકાને જરૂરી મેડીકલ સામાન મોકલી રહ્યા છે. ઈટાલીમાં કોરોનાથી ૧૧૫૯૧ લોકોના મોત થયા છે અને એક લાખથી વધારે પોઝિટિવ કેસ છે.
ઈટાલીમાં પોઝિટિવ કેસની સંખ્યા એક લાખ એક હજાર ૭૩૯ થઈ ગઈ છે. જ્યારે અત્યાર સુધીમાં ૧૧૫૯૧ લોકોએ જીવ ગુમાવ્યો છે. ઈટાલીમાં દરરોજ સરેરાશ ૬૦૦ લોકો જીવ ગુમાવે છે. ઈટાલીમાં લોકડાઉનના સમયગાળાને વધારી દેવામાં આવ્યો છે. સંક્રમણના દરમાં ઘટાડો થવાની આશા સેવાઈ રહી છે. સોમવારે અહીં ૧૬૪૮ કેસ પોઝિટિવ નોંધાયા છે. જ્યારે રવીવારે અહીં ૩૮૧૫ કેસ નોંધાયા હતા. ઈટાલી કોરોના વાઈરસમાં સૌથી વધારે પ્રભાવિત દેશ છે. અહીં ૨૧ ફેબ્રુઆરીના રોજ પ્રથમ કેસ સામે આવ્યો હતો.
મોતની બાબતમાં ઈટાલી પછી સ્પેન પ્રભાવિત દેશમાં બીજા નંબરે આવે છે . પોઝિટિવ કેસની સંખ્યાની વાત કરીએ તો સ્પેનમાં ૮૭૯૫૬ થઈ છે, જ્યારે ચીનમાં ૮૧૫૧૮ કેસ નોંધાયા છે. સ્પેનમાં મૃત્યુઆંક ૭૭૧૬ થયો છે, જ્યારે ચીનમાં ૩૩૦૫ લોકોએ જીવ ગુમાવ્યા છે.