કોયલી ફળીયા નજીક કાંસમાં ગરકાવ થયેલા યુવાનની લાશ મળી…
વડોદરા,
વડોદરા સહિત મધ્ય ગુજરાતમાં મેઘરાજાના આક્રમક વલણના કારણે મોટાભાગની નદીઓના જળસ્તરમાં વધારો થઇ રહ્યો છે. વડોદરામાં પણ આજવા ડેમની સપાટી બપોરે ૩.૩૦ વાગે ૨૧૨.૫૦ ફૂટે પહોચતા તેમાંથી પાણી છોડવાની શરૂઆત કરી દેવામાં આવતા વિશ્વામિત્રીની સપાટી ૧૬.૫૦ ફૂટે પહોચી ગઇ છે. સવારથી વડોદરામાં સતત વરસાદના પગલે સંભવિત સ્થિતીને પગલે શાળા-કોલેજના વિદ્યાર્થીઓને છોડી મૂકવાનો કલેક્ટર દ્વારા આદેશ જારી કરવામાં આવ્યો છે. વડોદરામાં બપોર સુધી દોઢ ઇંચ જેટલો વરસાદ પડી ચૂક્યો છે. જ્યારે ગુરૂવારે રાત્રી દરમિયાન બે ઇંચ જેટલો વરસાદ પડતા અત્યાર સુધી સાડા ત્રણ ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે.
નવ દિવસ અગાઉ વિશ્વામિત્રીમાં આવેલા પૂરના પાણી પૂરતા ઓસર્યાને ગણતરીના દિવસોમાં જ ફરીથી નદીની સપાટીમાં વધારો થતાં વડોદરામાં નિચાણવાળા વિસ્તારમાં રહેનારાઓમાં ફફડાટ ફેલાઇ ગયો છે. આ માહોલ વચ્ચે અનેક અફવાઓના કારણે અફરા-તફરીનો માહોલ પણ ઉભો થઇ ગયો છે.
વડોદરામાં ગત તારીખ ૩૧મી જુલાઇના રોજ વરસેલા વીસ ઇંચ વરસાદના કારણે કોયલી ફળિયામાં કેડ સમા પાણી ભરાઇ ગયા હતા. જેથી કાંસનું ઢાંકણું ખોલવા જતી વખતે કોયલી ફળીયામાં રહેતો અને લસણનો વ્યવસાય કરતો મુકેશ પરમાર(૨૯) તણાઇ ગયો હતો. કાંસમાં તણાઇ ગયેલા યુવાનની શોધખોળ પરિવાર કરી રહ્યો હતો. પરિવારે તેમના દીકરાને શોધવા માટે કલેક્ટરમાં અરજી પણ આપી હતી. આજે દસમા દિવસે યુવાનનો મૃતદેહ ભૂતડી ઝાંપા બ્રિજ પાસેથી મળી આવ્યો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ સ્થળ પર દોડી આવી હતી. યુવાનના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપ્યો હતો.