જિનિવા : ભયાનક એવા કોરોના વાઈરસના રોગચાળાનો સામનો કરવામાં ભારતને મદદરૂપ થવા માટે વર્લ્ડ બેન્કે ભારતને ૧ અબજ ડોલરનું ઈમરજન્સી રીસ્પોન્સ ફંડ મંજૂર કર્યું છે. વિશ્વ બેન્કે ભારતને આરોગ્ય ક્ષેત્ર માટે અત્યાર સુધીમાં આપેલી આ સૌથી મોટી રકમની સહાયતા છે.
કોવિડ-૧૯ રોગચાળાને રોકવા, શોધવા અને એની સામે પગલાં લેવામાં તેમજ જાહેર આરોગ્ય ક્ષેત્રમાં ભારતને તેની સજ્જતાને મજબૂત કરવામાં મદદરૂપ થવા માટે વર્લ્ડ બેન્કે ભારતને આ સહાયતા મંજૂર કરી છે.
આ નવા ભંડોળમાં ભારતના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આવરી લેવામાં આવશે. કોરોનાના ચેપગ્રસ્ત લોકો, કોરોના થવાનું જોખમ ધરાવતા લોકો, તબીબી અને ઈમરજન્સી ક્ષેત્રના કર્મચારીઓ, સેવા પ્રદાન કરનારાઓ, તબીબી અને ટેસ્ટિંગ સુવિધાઓ તથા રાષ્ટ્રીય અને પ્રાણી આરોગ્ય એજન્સીઓની જરૂરિયાતોને પૂરી કરવા માટે આ ભંડોળનો ઉપયોગ કરી સકાશે.
આ ભંડોળનું સંચાલન નેશનલ હેલ્થ મિશન, નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કન્ટ્રોલ અને કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય હેઠળ આવતી ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ સંસ્થા દ્વારા કરવામાં આવશે.
આ ભંડોળ ભારતને રોગ નિરીક્ષણ કાર્યક્રમને મજબૂત કરવામાં, ચેપગ્રસ્ત રોગોની સારવાર કરતી હોસ્પિટલો, જિલ્લા, સિવિલ અને જનરલ તથા મેડિકલ કોલેજ હોસ્પિટલોને નવો ઓપ આપવામાં તેમજ લેવલ-૩ લેબોરેટરીઓનું નેટવર્ક બનાવવામાં મદદરૂપ થશે.