-
વડાપ્રધાન મોદીએ શાંઘાઇ સમિટને સંબોધિત કરી આતંક પર પ્રહારો કર્યા
-
આતંકવાદને ટેકો આપતા રાષ્ટ્રોને અલગ પાડવા જરૂરી, આતંકવાદ પર ચર્ચા માટે ભારત આંતરરાષ્ટ્રીય સંમેલન બોલાવશે, અફઘાનિસ્તાનમાં શાંતિ વધારે જરૂરી છે
બિશ્કેક,
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે કિર્ગિસ્તાનની રાજધાની બિશકેકમાં આયોજિત શાંઘાઈ કો-ઑપરેશન ઓર્ગેનાઈઝેશન (એસસીઓ) સંમેલનને સંબોધિત કર્યુ. અહીં પીએમ મોદીએ આતંકવાદ વિશે પાકિસ્તાનનું નામ લીધા વિના તેના પર હુમલો કર્યો. પોતાના સંબોધન સાથે જ પીએમ મોદીએ આ મંચ પર પાકિસ્તાનને આતંકવાદના મુદ્દે ઘેર્યુ.
શુક્રવારે એસસીઓ સમિટને સંબોધિત કરનારા પીએમ મોદી પહેલા વર્લ્ડ લીડર હતા. તેમણે આ દરમિયાન કહ્યુ કે એસસીઓમાં શામેલ દેશોએ એ દેશો સામે એક તંત્રનું નિર્માણ કરવુ જોઈએ જે આતંકવાદનુ સમર્થન કરી રહ્યા છે. આ સાથે જ આરોગ્ય, આર્થિક, વૈકલ્પિક ઉર્જા, સાહિત્ય, સાંસ્કૃતિક સહયોગ સાથે જ આતંકવાદ મુક્ત સમાજના નિર્માણમાં મદદ કરવી જોઈએ. અહીં પીએમ મોદીએ એક રીતે પાકિસ્તાન પર હુમલો કર્યો. તેમણે આતંકવાદને ખતમ કરવાના હેતુથી એક ગ્લોબલ કોન્ફરન્સની વકીલાત કરી. પીએમ મોદીએ કહ્યુ કે જે પણ દેશ આતંકવાદને આર્થિક રીતે સમર્થન આપે છે અને તેને પ્રોત્સાહન આપે છે તેની જવાબદેહી નક્કી થવી જોઈએ. તે માટે ભારત એક આંતરરાષ્ટ્રીય સંમેલન બોલાવશે.
એસસીઓનું મહત્વ અને તેના આદર્શો પર જોર આપીને પીએમ મોદીએ કહ્યુ કે આતંકવાદ સામે ચાલી રહેલી લડાઈમાં સહયોગ વધુ મજબૂત કરવો જોઈએ. તેમણે એ વાત પર પણ ધ્યાન દોર્યુ કે ભારત હંમેશાથી આતંકવાદ મુક્ત સમાજનું સમર્થન કરતો આવ્યો છે. પીએમ મોદીએ કહ્યુ કે આતંકવાદ સામેની લડાઈમાં દેશોએ પોતાના સંકુચિત વિચારો છોડીને આગળ આવવુ જોઈએ. જે સમયે પીએમ મોદી આ બધુ બોલી રહ્યા હતા તે સમયે પાક પીએમ ઈમરાન ખાન ત્યાં જ હાજર હતા. મોદીએ આ દરમિયાન એસસીઓના સભ્ય દેશો સાથે એસસીઓ રીજનલ એન્ટી ટેરરિસ્ટ સ્ટ્રક્ચર એટલે કે રેટ્સ હેઠળ પરસ્પર સહયોગ વધારવાની પણ માંગ કરી.
પીએમ મોદીએ કહ્યુ કે, સ્વાસ્થ્ય અને નાણાકીય વિકાસ માટે સભ્ય દેશો સાથે કામ કરવા પ્રતિબદ્ધ છે. ભારત સૌર ઉર્જાનું ઉત્પાદન કરતો વિશ્વનો સૌથી મોટો પાંચમો દેશ છે. જેથી ભારત સભ્ય દેશ સાથે વ્યાપાર માટે આગળ આવશે.
પીએમ મોદીએ કહ્યુ કે, અફઘાનિસ્તાનમાં શાંતિ વધારે જરૂરી છે. છેલ્લા ઘણા સમયથી અફઘાનિસ્તારનમાં આતંકવાદી હુમલાની ઘટનાને અંજામ આપવામાં આવી રહ્યો છે. આપણે સભ્ય રાષ્ટ્રના વિકાસ માટે સ્વાસ્થ્યને લગતી સુવિધા પર વધારે ભાર મુકવો પડશે.
અગાઉ તેમણે ચીનના રાષ્ટ્રપતિ શી જીનપિંગ તેમજ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે મુલાકાત કરી હતી. મોદીએ આ બેઠકમાં ચીનના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરીને આતંકવાદ મામલે પાકિસ્તાનના વલણ પર ચર્ચા કરી હતી. મોદીએ જીનપિંગને જણાવ્યું કે આ મુદ્દે પાકિસ્તાને કોઈ નક્કર પગલાં લીધા નથી. મોદીએ બેઠકમાં વધુમાં જણાવ્યું કે માનવતાવાદી શક્તિઓએ આતંકવાદ વિરુદ્ધ પોતાના સંકુચિત દાયરામાંથી બહાર આવવાની જરૂર છે.