મહારાષ્ટ્ર દંગલ : ભાજપ-શિવસેના વચ્ચે ૩૦ વર્ષ જૂની દોસ્તીમાં ભંગાણ…
ભાજપ ઉદ્ધવ ઠાકરેની છબીને નુકસાન પહોંચાડવાની કોશિશ કરી રહ્યું છે,ભાજપ પોતાના વચન પરથી ફરી ગયુંઃ સાવંત…
મુંબઇ : મહારાષ્ટ્રમાં રાજકીય દંગલ ચાલુ છે. ગઇકાલે રાજ્યપાલે ભાજપને સરકાર બનાવવા આમંત્રણ આપ્યું હતું પરંતુ ભાજપે સરકાર બનાવવાનો ઇન્કાર કર્યો હતો. હવે શિવસેનાએ સરકાર બનાવવા માટે કવાયત શરૃ કરી છે. શિવસેનાને જો એનસીપી-કોંગ્રેસ સમર્થન આપે તો તે બહુમતનો આંકડો પાર કરી શકે છે. પરંતુ હાલ તમામ બાબતે બધા પક્ષો વચ્ચે વિચાર વિમર્શ થઇ રહ્યો છે. એનસીપીએ શિવસેનાને સમર્થન આપવાની સાથે સામે શરત પણ મૂકી હતી કે તે કેન્દ્રમાં એનડીએ સાથે છેડો ફાડે ત્યારે આજે શિવસેના નેતા અરવિંદ સાવંતે મોદી કેબિનેટમાંથી રાજીનામું આપી દીધુ હતુ અને તેમણે ભાજપ પર રાજકીય આરોપો મૂક્યા હતા. સવારથી જ કોંગ્રેસ-એનસીપીના નેતાઓ વચ્ચે મિટિંગોનો દોર શરૃ થયો હતો. ત્યારે હવે એક વાત તો નિશ્ચિત થઇ ગઇ છે કે ભાજપ-શિવસેના વચ્ચે વર્ષો જૂની દોસ્તીનો અંત આવ્યો છે. ભાજપ-શિવસેના વચ્ચે ૧૯૮૯માં ગઠબંધન થયું હતું. ભાજપ-શિવસેના ૩૦ વર્ષમાં બીજા વખત અલગ થઈ રહ્યાં છે.
ઉદ્યોગમંત્રી અરવિંદ સાવંતે મીડિયા સાથે વાત કરતાં આરોપ મૂકયો કે ભાજપ ઉદ્ધવ ઠાકરેની છબીને નુકસાન પહોંચડાવાની કોશિષ કરી રહ્યું છે. એનડીએમાંથી શિવસેનાની ઔપચારિક રીતે બહાર થવાના પ્રશ્ન પર તેમણે સીધો કોઇ જવાબ આપ્યો નહીં, પરંતુ એમ બોલ્યા કે મારા રાજીનામાં પરથી સમજી જાઓ. ભાજપ પર વિશ્વાસઘાતનો આરોપ મૂકતા કહ્યું ગઠબંધનના સમયે ભાજપે શિવસેનાના મુખ્યમંત્રીનું વચન આપ્યું હતું.
તેમણે ભાજપ પર વાદાખિલાફીનો આરોપ લગાવતા કહ્યું કે ભાજપ અધ્યક્ષ અને ઉદ્ધવ ઠાકરેજીની વચ્ચે કેબિનેટમાં ૫૦-૫૦ શેર અને મુખ્યમંત્રી પદની સમજૂતી થઇ હતી. ભાજપે સીએમ પદનું વચન આપ્યું હતું અને હવે તેઓ પોતાના વચન પરથી ફરી ગયા છે. આવી પરિસ્થિતિમાં નૈતિક રીતે મારા માટે પદ પર બની રહેવું યોગ્ય નિર્ણય હશે નહીં. મેં મારું રાજીનામું આપી દીધું છે.
કોંગ્રેસે શિવસેનાને સરકાર બનાવવાનો એક ફોર્મ્યુલા આપ્યો છે. જે પ્રમાણે મહારાષ્ટ્રમાં સરકાર બનતા શિવસેનાનો મુખ્યમંત્રી હશે, જ્યારે બે ડેપ્યુટી મુખ્યમંત્રી હશે. આ ઉપરાંત કેબિનેટમાં શિવસેના-એનસીપી અને કોંગ્રેસના ૧૪-૧૪ મંત્રીઓ હશે.
બદલાઈ રહેલી સ્થિતિમાં શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકર મુખ્યમંત્રી બની શકે છે. અગાઉ તે તેમના પુત્ર આદિત્ય ઠાકરેને સીએમ બનાવવા માંગતા હતા. બીજી તરફ આ નવા ગઠબંધનમાં નાયબ-મુખ્યમંત્રીનું પદ રાકાંપાને જઈ શકે છે. જ્યારે કોંગ્રેસને વિધાનસભામાં સ્પીકર પદ મળી શકે છે.
ઉલ્લેખનીય છે કે, ચૂંટણી પરિણામો આવ્યા બાદ સૌથી મોટી પાર્ટી બનીને આવેલી બીજેપીએ સરકાર બનાવવાની ના પાડી દીધી હતી, ત્યારબાદ રાજ્યપાલે રાજ્યમાં સરકાર બનાવવા માટે શિવસેનાને આમંત્રણ આપ્યુ હતુ.
આ અગાઉ એનસીપીએ સ્પષ્ટ કહી દીધુ હતુ કે, ભલે રાજ્યમાં બીજેપી-શિવસેનાની સરકાર બને પણ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન તો નહીં લાગવા દઇએ, અને બાદમાં કારણે રાજ્યમાં વૈકલ્પિક સરકારના ફોર્મ્યૂલા સામે આવ્યા હતા.