પુતિયાન : સ્ટાર શૂટર મનુ ભાકર અને ઇલાવેનિલ વલારિવાને આઈએસએસએફ વર્લ્ડ કપ ફાઇનલ્સમાં પોત-પોતાની સ્પર્ધાઓમાં ગોલ્ડ જીત્યો અને ભારતીય શૂટરો માટે આ દિવસને યાદગાર બનાવી દીધો હતો. મનુએ જૂનિયર વર્લ્ડ રેકોર્ડની સાથે મહિલા ૧૦ મીટર એર પિસ્તોલ ઈવેન્ટમાં ગોલ્ડ પોતાના નામે કર્યો જ્યારે ઇલાવેનિલે મહિલા ૧૦ મીટર એર રાઇફલમાં ગોલ્ડ હાસિલ કર્યો હતો.
૧૭ વર્ષની મનુએ ૨૪૪.૭નો સ્કોર કર્યો અને જૂનિયર વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો હતો. આ આઈએસએસએફની આ સિઝનની અંતિમ ટૂર્નામેન્ટ છે. મનુની ઇવેન્ટની ફાઇનલમાં જ યશસ્વિની સિંહ દેસવાલ છઠ્ઠા નંબર પર રહી હતી. સર્બિયાની જોરાના અરૂનોવિચે ૨૪૧.૯ના સ્કોરની સાથે સિલ્વર અને ચીનની ક્વિયાન વાંગે ૨૨૧.૮ના સ્કોર સાથે બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો હતો.
ઇલાવેનિલે ૨૫૦.૮ના સ્કોરની સાથે તાઇવાનની લિન યિંગ શિનને પછાડતા ગોલ્ડ મેડલ કબજે કર્યો હતો.સિલ્વર મેડલ હાસિલ કરનારી લિને ૨૫૦.૮નો સ્કોર કર્યો જ્યારે રોમાનિયાની લોરા-જોર્જેટા કોમાને ૨૨૯ના સ્કોરની સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. મેહુલી ઘોષે પણ આ ઇવેન્ટ માટે ક્વોલિફાઇ કર્યું હતું, પરંતુ તે ૧૬૩.૮ના સ્કોરની સાથે છઠ્ઠા સ્થાને રહી હતી.
પુરૂષોના ૧૦ મીટર એર પિસ્તોલ ઇવેન્ટમાં અભિષેક વર્મા અને સૌરભ ચૌધરીએ ફાઇનલ માટે ક્વોલિફાઇ કર્યું હતું પરંતુ બંન્ને મેડલ જીતવામાં સફળ થયા નથી. વર્મા ક્વોલિફિકેશનમાં ૫૮૮ના સ્કોરની સાથે ટોપ પર રહ્યો પરંતુ ફાઇનલમાં ૧૭૯.૪ના સ્કોરની સાથે પાંચમાં સ્થાને રહ્યો હતો. ચૌધરી ક્વોલિફિકેશનમાં સાતમાં સ્થાન પર રહ્યો હતો.