શ્રીલંકાના સેના પ્રમુખે કહ્યું છે કે શ્રીલંકામાં થયેલા સીરિયલ બ્લાસ્ટ કરનારા આતંકવાદીઓ ટ્રેનિંગ મેળવવાં માટે ભારતના કાશ્મીરનો પ્રવાસ કર્યો હતો. લેફ્ટનન્ટ જનરલ મહેશ સેનાનાયકે પહેલા સેન્ય અધિકારી છે જેમને આ હુમલાઓ અંગે નિવેદન આપ્યું છે. સેનાનાયકે કહ્યું કે ગુપ્ત માહિતીઓના આધારે જાણકારી મળી હતી કે આતંકવાદી કાશ્મીર ઉપરાંત ભારતના બેંગ્લુરૂ અને કેરળના કેટલાક હિસ્સાઓમાં પણ ગયા હતા.
એક ઇન્ટરવ્યુ દરમિયાન સેનાનાયકે કહ્યું કે મને પૂરેપૂરી જાણકારી નથી કે આતંકવાદીઓ ભારત ગયા તેની પાછળ શું કારણ હતું, પરંતુ એટલી વાત તો સ્પષ્ટ છે કે તેઓ ટ્રેનિંગ અથવા અન્ય આંતકવાદી સંગઠનો સાથે સંપર્ક સાધવા માગતા હતા.
સેનાનાયકે કહ્યું કે, હુમલો કરવાના પ્રકાર પરથી લાગે છે કે આતંકવાદીઓની મદદ કોઇ સ્થાનિક નહીં પરંતુ બહારના કોઇ વ્યક્તિએ કરી છે. ઉલ્લેખનીય છે કે શ્રીલંકામાં થયેલા 8 ધમાકામાં 253 લોકો માર્યા ગયા હતા જેમાં 10 ભારતીયો સહિત 39 વિદેશી નાગરિકો માર્યા ગયા હતા.
ભારત તરફથી મળેલી ગુપ્ત માહિતી પર સેનાનાયકે કહ્યું કે અમને ઇન્ટેલિજન્સ ઇનપૂટ મળ્યા હતી પરંતુ અમારી મિલિટ્રી ઇન્ટલિજન્સ બીજા દિશામાં હતી. જાણકારી વહેંચવામાં જે સમસ્યા હતી તે હવે બધાની સામે છે. જો કે આ ભુલ માટે તેમને કોઇને જવાબદાર ગણાવ્યાં ન હતાં.